ખેરગામ: ગત 8 ઓક્ટોબરે ખેરગામમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા બાદ જિલ્લા અધિક કલેકટર દ્વારા 18/10/2022 સુધી કલમ 144 લગાવી કાયદો વ્યવસ્થા કાબુમાં લેવાના તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે.આનાથી છતી દિવાળીએ સામાન્ય પ્રજાજનોએ ઘણી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વર્ષોથી ખેરગામ સામાન્ય રીતે આસપાસના વિસ્તારોના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહેલ છે. પરંતુ કોરોનાકાળથી જાણે વ્યાપારધંધાને ગ્રહણ લાગ્યું હોય એવું લાગી રહ્યું છે. માંડ માંડ પાટે ચડેલું તંત્ર કલમ 144 લાગતા પાછું ડગમગતું દેખાય છે.4 લોકો કરતા વધારે લોકો ભેગા નહીં થવાના કલેકટરના ફરમાનને લીધે લોકોમાં તહેવાર ટાણે આક્રોશની લાગણીઓ જોવા મળેલ છે. તહેવારના સમયે વ્યાપાર ધંધામાં વ્યાપક નુકસાનની ભીતિને લઇ વેપારીઓએ આદિવાસી સમાજના અગ્રણીઓને રજૂઆત કરતા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલની આગેવાનીમાં સ્થાનિક આગેવાનોએ નવસારી જિલ્લા કલેકટરને ખેરગામ મામલતદાર મારફતે પોતાની રજૂઆત કરી.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવું મૂર્ખતાપૂર્ણ કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.કલમ 144 લાગવાના કારણે હાલ અહીંયા ખેરગામમાં લોકો ખરીદી કરવા આવતા ડરી રહ્યા છે અને એના લીધે સ્થાનિક વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે અને સ્થાનિક પ્રજાને ભારે હાલાકીઓને એના લીધે .એસી કેબીનોમાં બેસી બેસી કલમ 144 લગાવી અંધેરી નગરીને ગંડુ રાજા જેવો વહીવટ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે તે તાત્કાલિક ધોરણે બઁધ નહીં કરવામાં આવે તો લોકોને પડી રહેલી યાતનાઓ બાબતે જનઆંદોલન કરવામાં આવશે તે બહેરુંમૂંગું તંત્ર ધ્યાનમાં લે કારણકે આવું કરીને તંત્રએ લોકોની સલામતીનું ધ્યાન આપવાને બદલે મુશ્કેલીઓમાં ઉમેરો કર્યો છે અને વ્યાપારધંધામાં વ્યાપક નુકસાન કરાવ્યું છે.

