કપરાડા: રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ આજે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે રૂા. ૨.૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ દ. ગુ. વીજ કંપનીની પેટાવિભાગીય કચેરીના લોકાર્પણ કરાયું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રસંગે જણાવ્યું કે રાજયના કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), પાણી પુરવઠા અને નર્મદા જળસંપતિ મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી, સાંસદ ર્ડા. કે. સી. પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઇ ગરેલ અને મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, સુથારપાડા ખાતે પેટાવિભાગીય કચેરી શરૂ થવાથી સુથારપાડાના વીજગ્રાહકોને હવે વીજબીલ ભરવા માટે કપરાડા સુધી નહિં જવું પડે પરંતુ સુથારપાડા ખાતે જ વીજબીલ ભરી શકાશે એમ જણાવ્યું હતું. રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયના લોકો માટે ૨૪ કલાક વીજપુરવઠો સતત મળતો રહે તે માટે જયોતિગ્રામ યોજના શરૂ કરી હતી એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારમાં આજે આદિવાસી વિસ્તારોમાં વિકાસ થઇ રહયો છે જેના પરિણામે હાલમાં કપરાડા વિધાનસભા વિસ્તારમાં પણ ૬૬ કે. વી. ના ૧૭ જેટલા સબસ્ટેશનો બનાવવાની મંજૂરી મળી ગઇ છે અને તબક્કાવાર આ સબસ્ટેશનો બનાવવામાં આવશે એમ મંત્રીશ્રીએ આ તબક્કે જણાવ્યું હતું.
આ પ્રસંગે વલસાડ સાંસદ ડૉ. કે. સી. પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ગુલાબભાઇ રાઉત, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી મીનાક્ષીબેન ગાંગોડા, દ. ગુ. વીજ કંપનીના મુખ્ય ઇજનેર હર્ષદભાઇ શાહ, સુપ્રિટેન્ડન્ટ એન્જીનીયર એમ. એમ. પટેલ, વાપી ગ્રામ્યના કાર્યપાલક ઇજનેર શ્રીમતી ચેતનાબેન શેઠ, કપરાડાના મામલતદાર જે. એસ. ચૌધરી અને તાલુકા વિકાસ અધિકારી તેમજ આર. એફ. ઓ તથા વીજકંપનીના અધિકારીઓ- કર્મચારીઓ તેમજ ગ્રામ્યજનો હાજર રહયા હતા.

