ખેરગામ: વલસાડ જિલ્લાનું નફ્ફટ તંત્ર જે યેનકેન પ્રકારે કોઈપણ સામાન્ય માણસોને દંડ કરવામાં શૂરવીર છે પણ વારંવારની રજુવાતો છતાં રસ્તા બનાવતું નથી ત્યારે ગતરોજ પ્રમુખ, ઇન્ડિયન મેડિકલ એસોસિએસન, વલસાડ ડો. નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા રસ્તાના સમારકામ કરવા આખરી અપીલ કરવામાં આવી છે.
પ્રમુખ, ઇન્ડિયન મેડિકલ એસોસિએસનના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલ જણાવે છે વારંવારની રજૂઆતો છતાં વલસાડ જિલ્લાનું નફ્ફટ તંત્ર જે યેનકેન પ્રકારે કોઈપણ સામાન્ય માણસોને દંડ કરવામાં શૂરવીર છે તે પોતે પોતાની ફરજો વારંવાર ભૂલી રહ્યું છે અને હજુસુધી કંઈ કેટલાય લોકો અઢળક હેરાન થઇ રહ્યા છે. શું સામાન્ય લોકોનું સાંભળવાવાળું કોઈ નથી? અગાઉ પણ અમે અનેક યુવાનો અમારી રજૂઆતમાં જણાવી ચૂકેલ હતાં કે ખરાબ રોડને કારણે સગર્ભા મહિલાઓ પારાવાર પીડા અનુભવી રહી છે. પીડિતોએ નામ નહીં આપવાની શરતે રજૂઆત કરી છે કે આ બાબતને લીધે સ્ત્રી તરીકે અમારી જિંદગીની સૌથી અમૂલ્ય ક્ષણ ખરાબ કરવાનો વારો આવ્યો છે.
મારો આપના તંત્રને એક પ્રશ્ન છે કે આ પીડિતાઓ કદાચ તમારા પરિવારની દીકરી, પત્નિ, વહુ હતે તો તમને ગમતે ?ક્યાં સુધી સામાન્ય માણસોને પશુ સમજીને કાર્ય કરતા રહેશો? જો રેવડીઓમાં ખોવાયેલા હોય તો એટલા પણ ખોવાઈ નહીં જતાં કે કુદરતની અદાલત છે તે ભૂલી જવાય. આખા વલસાડ જિલ્લાના મોટાભાગના રોડ પરના ખાડા ચંદ્ર પરના ખાડાઓ કરતા મોટા છે. સંભવિત ભ્રષ્ટાચાર એટલી હદ સુધી વ્યાપક છે કે ઘણી જગ્યાએ રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ છે તે સમજવું મુશ્કેલ બન્યું છે. વરસાદનું બહાનું તો આપના તંત્ર પાસે છટકબારી રૂપે સરસ પડ્યું જ છે. પરંતુ એ બહાનું કે છટકબારી કુદરતની અદાલતમાં નહીં ચાલે તે યાદ રાખજો.
તેમણે વધુમાં જણાવ્યું કે એક વાત પણ ધ્યાને રાખજો કે અમારી વારંવારની શાંતિપૂર્ણ વિનંતીને નબળાઈ ગણીને અવગણના કરવાની કોશિશ કરશો નહીં અન્યથા એકવાર તો આંદોલનનું નાનું ટ્રેલર આપી ચુક્યા છીએ તો ખુબ જ ટૂંક સમયમાં આખા વલસાડ જિલ્લાના લોકો સાથે મળીને તમામ રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરતા હવે અમે અચકાઈશું નહીં તે વાત ધ્યાને લેશો.

