નવીન: 2024માં થનારી લોકસભાની ચૂંટણી માટે અત્યારથી રાજકીય વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેવામાં  બધી પાર્ટીઓ પોતપોતાની રીતે રણનીતિ બનાવવામાં વ્યસ્ત થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની’ ભારત જોડો યાત્રા‘ કરી રહી છે. આને લઈને કોંગ્રેસની’ ભારત જોડો યાત્રા‘ પર ABP ન્યૂઝે C-વોટરની સાથે મળીને એક સરવે કર્યો છે. આ સર્વેમાં રાહુલ ગાંધીના કામકાજ પર સવાલ પુછવામાં આવ્યો હતા જેનું તારણ આ પ્રમાણે છે.

સરવેમાં સવાલ લોકોને પુછવામાં આવ્યા કે રાહુલ ગાંધીના કામકાજથી તમે કેટલાં સંતુષ્ટ છો? સરવેમાં ખુલાસો થયો છે કે ‘ ભારત જોડો યાત્રા‘ને કારણે રાહુલનું કદ વધ્યું છે અને લોકપ્રિયતામાં વધારો થયો છે. આ સરવે તમિલનાડુ અને કેરળ માટે કરવામાં આવ્યો હતો.

તમિલનાડુમાં યાત્રા દરમ્યાન 11 સપ્ટેમ્બરે 63 ટકા લોકોએ રાહુલ ગાંધીની કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો. એ પહેલાં 6 સપ્ટેમ્બરે કરવામાં આવેલા સરવેમાં 59 ટકા લોકોએ કહ્યુ હતું કે અમે રાહુલ ગાંધીના કામથી સંતુષ્ટ છીએ.

તમિલનાડુના સરવેમાં 6 સપ્ટેમ્બર 25 ટકા લોકોએ રાહુલના કામકાજ સામે અસંતુષ્ટ હોવાનું કહ્યું હતું જયારે 11 સપ્ટેમ્બરના સરવેમાં આ આંકડો 22 ટકા હતો. 6 સપ્ટેમ્બરે 16 ટકા લોકોએ કહ્યું હતું કે અમે કહી ન શકીએ, જયારે 11 સપ્ટેમ્બરના સરવેમાં 15 ટકા લોકોએ કહ્યુ હતું કે અમે કશું કહી શકીએ નહી.

કેરળના સરવેની વાત કરીએ તો 10 સપ્ટેમ્બરે થયેલા સરવેમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા બાબતે 56 ટકા લોકોએ કહ્યું હતું કે અમને રાહુલના કામથી સંતોષ છે. 14 સપ્ટેમ્બરે કરવામાં આવેલા સરવેમાં 60 ટકા લોકોએ રાહુલના કામથી સંતોષ વ્યકત કર્યો હતો.

આ સરવેના આંકડા કોંગ્રેસની યાત્રા શરૂ થયાના શરૂઆતના દિવસોના છે. 10 સપ્ટેમ્બરે 31 ટકા લોકો રાહુલ ગાંધીના કામકાજથી અસંતુષ્ટ હતા. 14 સપ્ટેમ્બરે આ આંકડો 30 ટકા પર પહોંચ્યો હતો. બધું મળીને સરવેનું પરિણામ એ બતાવે છે કે ‘ ભારત જોડા યાત્રા’થી રાહુલ ગાંધીના કદમાં વધારો થયો છે.