ગુજરાત: હાલમાં ગુજરાતમાં ફરી એકવાર બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં રાજ્યના અનેક જિલ્લામાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે.
ગત 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લા અને 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 155 મીમી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 113 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 119 ટકા વરસાદ થયો છે. નવસારીમાં રાત્રે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. મોડી રાતથી નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. મંકોડીયા, જુનાથાણા, ગોલવાડ, ચારપુલ, ભારતી ટોકીઝ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. દ. ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે. આ વર્ષે ચોમાસું પણ મોડું બેઠેલું છે. તેના લીધે ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાઈ તેવી શક્યતા રહેલી છે. તેના લીધે લાગી રહ્યું છે કે, આ વખતે નવરાત્રીના ગરબા રસિકોની રમઝટનો માહોલને વરસાદ માહોલ બગાડી શકે છે.