ઝારખંડ: ગતરોજ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં કેબિનેટે બે મોટા નિર્ણયો લીધા હતા. જેમાં  ઝારખંડમાં વર્ષ 1932ની ખાતિયાન આધારિત સ્થાનિક નીતિને મંજૂરી આપવાની સાથે જ OBC, ST અને SC માટે અનામત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આદિવાસી સમાજના જાણકારો જણાવી રહ્યા છે કે આ બન્ને બિલને ધારાસભામાં પાસ કરાવ્યા બાદ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. કેન્દ્રને આ બન્ને બિલને 9મી અનુસૂચિમાં સામેલ કરવા વિનંતી કરવામાં આવશે. આ બિલ 9મી અનુસૂચિમાં સામેલ થયા પછી જ ઝારખંડમાં લાગૂ થશે.

ઝારખંડ સરકારની કેબિનેટે બુધવારના રોજ રાજ્યમાં પદો અને સેવાઓની ખાલી જગ્યાઓમાં અનામત અધિનિયમ 2001માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સેવાઓમાં અનામતની કુલ મર્યાદા હવે 50 ટકાથી વધારીને 77 ટકાકરવામાં આવશે. આ બેઠકમાં કેબિનેટે OBC, ST અને SCની અનામત વધારવાના બિલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે SCને 12 ટકા, STને 28 ટકા, OBC Annexure-1ને 15 અને Annexure-2ને 12 ટકા તથા આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા અનામતને મંજૂરી આપવામાં આવી છે.