ગુજરાત: ગઇકાલે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપનાર વિશ્વનાથસિંહ વાઘેલા આજે કેસરિયો ધારણ કરશે એટલે કે ભાજપમાં જોડાશે. તેઓએ CR પાટીલ અને હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ કરી હતી. દરમ્યાન અનુરાગ ઠાકુર અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ હાજર રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે ગઇકાલે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો.

જો કે વિશ્વનાથસિંહના રાજીનામા બાદ તાત્કાલિક ધોરણે પ્રદેશ યુથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક કરી દેવાઇ હતી. ગઇકાલે ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હરપાલસિંહ ચુડાસમાની નિમણૂંક કરી દેવાઇ હતી. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે વિશ્વનાથ વાઘેલાનો આંતરિક કકળાટ ચાલતો હતો.