વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે 12 દિવસ પહેલા માતા પુત્રને સુતા હતા ત્યારે પથારીમાં ઝેરી સાપે ડંખ માર્યો હતો. જેમાં સારવાર દરમિયાન માતા સારી થઈ ગઈ હતી. જ્યારે પુત્રનું શુક્રવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

પોલિસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારીખ 15 ઓગષ્ટ 2022 ના રોજ વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે રહેતા અનિલભાઈ નટુભાઈ ધોડિયા ઉંમર વર્ષ 37 ના પત્ની રોશનીબેન ઉંમર વર્ષ 28 અને પુત્ર પ્રિયલ ઉંમર વર્ષ 8 સાથે રાત્રે તેમનાં ઘરમાં સૂતા હતા. તે દરમ્યાન રોશનીબેન અને પ્રિયલને પથારીમાં કોઈ ઝેરી સાપે ડંખ માર્યો હતો. જેથી તેઓને ધરમપુર ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં રોશનીબેનની તબિયત સારી થઈ ગઈ હતી. તમને 19 ઓગષ્ટના 2022ના રોજ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. જ્યારે પ્રિયલની સારવાર ચાલુ જ હતી તે દરમિયાન શુક્રવારે સારવાર દરમિયાન પ્રિયલનું મોત નિપજ્યું હતુ.

આ બનાવ અંગે અનિલભાઈ પટેલે ધરમપુર પોલીસ મથકે ઝીરો નંબરથી અકસ્માતનો ગુનો નોધવ્યો હતો. આ બનાવની વધુ તપાસ વાંસદાના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ યોગેશ પરસોતભાઈએ હાથ ધરી હતી.