વાલોડ: હાલમાં જ વાલોડ તાલુકાના ગામડાઓના ખેડૂતોના ખેતરોમાંથી ખેરના ઝાડોને કાપી જવાની ઘટના બાદ હવે પુષ્પા ભાઈઓ દ્વારા ખેતરોમાંથી દુર્લભ એવા ચંદનના ઝાડોને કાપી જતાં હોવાની ઘટના બહાર આવતાં જ ખળભળાહટ મચી જવા પામ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાલોડના કણજોડ ગામના ખેડુત ખાતેદાર સુનિલભાઈ જોગાભાઈ ચૌધરી, નિશાળ ફળિયુ, કણજોડના જમીનના ખાતા નંબર 141, સર્વે નંબર 13 અને 14 ની જમીનમાં તેઓએ દુર્લભ ચંદનના ઝાડોની ખેતી કરેલ હતી. આ ખેતરમાંથી રાત્રીના સમયે 3 ઝાડ કોઈ ચોરો રાત્રિના સમયે અદ્યતન સાધનો લાવી કાપી ગયા હતા ત્યાર બાદ ફરીથી 2 ઝાડ કાપી ગયાની ઘટના બની. આ ઘટના અંગેની ખેડૂતે ગામના સરપંચને પણ જાણકારી આપી હતી.

સરપંચ દ્વારા આ મુદ્દે વન વિભાગ તથા પોલીસ વિભાગને લેખિતમાં જાણ કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આવા પુષ્પા ભાઈઓ પકડવા જરૂરી બન્યા છે કેમ કે ચંદનના ઝાડની તસ્કરી કરતા આ તસ્કરો બેખોફ બની ચોરીને અંજામ આપી રહ્યા છે. પણ સવાલ તો એ છે કે પોલીસ આજસુધી ખેર કે આ ચંદન ચોરો વિષે ભાળ કે પકડી શકી નથી.