વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટે ઉજવવામાં આવે છે.વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણીય સંરક્ષણ જેવા વૈશ્વિક મુદ્દાઓ તથા અન્ય જલ જમીન જંગલ ને લગતા મુદ્દાઓ પર આદિવાસી લોકો એ જે સિદ્ધિઓ અને યોગદાન આપેલ છે તેને પણ ઓળખ પ્રદાન કરે છે. આ દિવસ ૨૩ ડિસેમ્બર ૧૯૯૪ ના યુએનના ઠરાવ ૪૯/૨૧૪ દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી દ્વારા પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યો હતો. તેથી ૯ ઓગસ્ટ ને દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે વિશ્વના આદિવાસી લોકોના પ્રથમ આંતરરાષ્ટ્રીય દાયકા (1995-2004) દરમિયાન દર વર્ષે ઉજવવામાં આવે છે. 2004માં, એસેમ્બલીએ 2005-2015 દરમિયાન “એકશન એન્ડ ડિગ્નિટી”ની થીમ સાથે બીજા આંતરરાષ્ટ્રીય દાયકાની ઘોષણા કરી હતી.
વિશ્વ આદિવાસી દિવસની આ વખતની થીમ “પરંપરાગત જ્ઞાનની જાળવણી અને પ્રસારણમાં આદિવાસી મહિલાઓની ભૂમિકા” છે. આદિવાસી મહિલાઓ પૂર્વજોના જ્ઞાનની જાળવણી માટે મહત્વપૂર્ણ છે, જે આધુનિક સમાજોને મદદ કરી શકે છે. તેઓ પરંપરાગત જ્ઞાનનું રક્ષણ કરે છે.
આદિવાસી સમાજની મહિલાઓએ જ આદિવાસી સમાજની સંસ્કૃતિ બોલી લોકગીતો પરંપરાઓ વગેરેને સાચવવાનું કામ કર્યું છે. વ્યક્તિના મરણથી લઈને એના મૃત્યુ સુધી કોઇપણ રીત રિવાજોમાં આદિવાસી મહિલાઓ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોડાયેલી જ હોઈ જ છે. એ બાળકના છઠ્ઠી સમયની વિધી હોઈ કે લગ્ન વખતે ના લોકગીતો હોઈ કે મરશિયા હોય. ખેતી ક્ષેત્રે , જંગલમાં મળતી વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓની મહત્તમ જાણકારી આદિવાસી સમાજની મહિલાઓ પાસે જ હોય છે જે માહિતી પછી મહિલા પાસેથી પુરુષને મળે છે. આદિવાસી સમાજની મહિલાઓ પુરુષો કરતા પ્રકૃતિ સાથે સૌથી નજીકનો સંબંધ ધરાવે છે. આદિવાસી સમાજની મહિલો ઘરમાં કે ગામમાં લીડર તરીકે નિર્ણયો પણ લે છે. એટલે જ કદાચ આદિવાસી સમાજ “માતૃસત્તામક સમાજ” તરીકે ઓળખાય છે.
પરંપરાગત જ્ઞાનની જાળવણી અને એના પ્રસારણ માટે આદિવાસી સમાજની મહિલાઓની ભૂમિકાઓ નીચે મુજબ છે:
આદિવાસી મહિલાઓ આદિવાસી સમુદાયની કરોડરજ્જુ સમાન છે અને પરંપરાગત પૂર્વજોના જ્ઞાનના સંરક્ષણ અને પ્રસારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેઓ કુદરતી સંસાધનોની સંભાળ રાખનાર છે.ઘણી આદિવાસી મહિલાઓએ લોકોની જલ જંગલ જમીન બંધારણી હક્કો વગેરે મુદ્દે આગેવાની લઈ રહી છે અને વિશ્વભરમાં આદિવાસી લોકોના સામૂહિક અધિકારોની હિમાયત કરી રહી છે.
આદિવાસી મહિલાઓ તેમના સમુદાયોમાં ઉછેર કરનાર, સંભાળ રાખનાર, જ્ઞાન રક્ષકો, લોકબોલી ગીતો સંસ્કૃતિ સાચવનાર, નેતાઓ અને માનવ અધિકારોના રક્ષકો તરીકેની નિર્ણાયક ભૂમિકા ભજવે છે.આદિવાસી સમુદાયોમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં આદિવાસી મહિલાઓ દ્વારા પણ નોંધપાત્ર ફાળો આપવામાં આવે છે, જેથી જ આદિવાસી સમાજ “માતૃસત્તામક” સમાજ તરીકે પણ ઓળખાય છે.રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ક્ષેત્રે મહિલાઓએ ભૂમિકા ભજવી છે અને નેતૃત્વ પણ પ્રાપ્ત કરેલ છે.આદિવાસી મહિલાઓએ દવાઓ અને ખાદ્યપદાર્થો, ભાષા, સંસ્કૃતિ અને પેઢીના ઇતિહાસની જાળવણી સંબંધિત વૈજ્ઞાનિક અને તકનીકી જ્ઞાન ધારક તરીકે આદિવાસી મહિલાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પરંપરાગત જ્ઞાન દ્વારા ઘણી સમસ્યાઓના ઉકેલો મળ્યા છે તેથી તેમનું જ્ઞાન ખૂબ જ મહત્વપૂર્ણ છે;
આદિવાસી મહિલાઓએ પરંપરાગત રીતે એમના પ્રદેશોમાં એમની સંસ્કૃતિ જાળવી રાખેલ છે. પણ તેની સામે પણ અનેક પડકારો છે જેવા કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આદિવાસી હક્કોની અમલવારી કરાવવાની યોગ્ય કાનૂની માળખાની ગેરહાજરી, સ્થાનિક મહિલાઓના જ્ઞાનનો પર્યટન, ફાર્માસ્યુટિકલ અને ફેશન ઉદ્યોગો સહિતના બાહ્ય હિતો દ્વારા શોષણ અથવા દુરુપયોગ થઈ રહ્યો છે. તેવી જ રીતે, સ્થાનિક મહિલાઓનું જ્ઞાન ગુમ થઈ શકે છે અથવા ચોરાઈ શકે છે, જેમ કે પરંપરાગત છોડ, માનવ અવશેષો અને અન્ય સાંસ્કૃતિક કલાકૃતિઓને દફન/સાંસ્કૃતિક સ્થળો પરથી કલેક્ટર, નૃવંશશાસ્ત્રી, ક્યુરેટર અથવા જીવવિજ્ઞાનીઓ દ્વારા લેવામાં આવે છે. છેવટ આવા કોઈ કાર્યક્રમ કે આવી નીતિઓની રચનામાંથી મહિલાઓના જ્ઞાનને બાકાત રાખવામાં આવે છે.
આદિવાસી સમાજની મહિલાઓ દ્વારા એક પેઢી થી બીજી પેઢીને સંસ્કૃતિ તથા પરંપરાગત રીતિ રિવાજો જીવનશૈલીનો વારસો આપવામાં આવી રહ્યો છે. પણ હાલની પેઢી આ બાબતે ખૂબ જ ઉદાસીન છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહી છે એને પોતાની સંસ્કૃતિ પરંપરાઓ પર ગર્વ કે એને અપનાવવામાં શરમ અને નાનમ અનુભવી રહી છે. જેના કારણે આદિવાસી પરંપરાઓ લુપ્ત થવાની આરી પર છે. આ પરંપરા સંસ્કૃતિને જાળવવા યુવાઓએ આગળ આવવું પડશે તથા એમને મળતા વારસાને સાચવી અને જતન પણ કરવું પડશે તો જ આપણી ભવિષ્યની પેઢી આપણી સંસ્કૃતિ જોઈ જાણી અપનાવી શકશે. તો જ આદિવાસી સમાજની અસ્મિતા પણ ટકી શકશે. આ કામ માત્ર મહિલાઓનું નથી પુરુષોએ પણ એમાં પોતાનો ભાગ ભજવવો પડશે.
ચાલો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ફરી આ નાયિકાઓ ,વીરાંગનાઓની ભૂમિકાને બિરદાવી એમનું સન્માન કરીએ ….!!
BY કિરણ પાડવી PI