મહેસાણા: 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફતે હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઇ યુએસએ પોલીસે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહોતા. અને સમગ્ર ભાંડો ખૂલ્યો.
પટેલ સમાજના અમુક યુવાનોને વિદેશ જવાની લાલચ એટલી વધી ગઈ છે કે હવે ત્યાં પહોંચવા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. વિદેશ જવુ હવે સપનુ નહિ, પણ કૌભાંડ અને ક્રાઈમ બની ગયું છે. લોકો ગમે તે હદ સુધી ક્રાઈમ કરવા તૈયાર બને છે. ત્યારે મહેસાણાથી જે કૌભાંડ બહાર આવ્યુ છે તે વિચારીને તમે થરથરી જશો. IELTS માં 8 બેન્ડ મેળવી 4 યુવાનને અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના પટેલ ધ્રુવ રસિકભાઈ, માંકણજ પટેલ નીલ અલ્પેશકુમાર, ધામણવા પટેલ ઉર્વીશ શૈલેષભાઈ, જોટાણા પટેલ સાવન રાજેન્દ્રકુમાર, સાંગણપુર નામના યુવાનો સામે તપાસ કરવામાં આવી છે. કેમ કે આ ચારેય ગામના યુવકો અંગ્રેજી આવડતું ન હોવા છતાં IELTSમાં 8 બેન્ડ મેળવીને પહેલાં કેનેડા પહોંચ્યા હતા. ત્યારબાદ કેનેડાથી અમેરિકા જતાં સમયે બોટમાં પકડાઈ ગયા હતા.
આ મામલે અમેરિકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી અને પછી મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેસાણા એસપીએ એસઓજી પોલીસને તપાસ સોંપતા IELTS પરીક્ષા લેનાર સંસ્થા અને એજન્ટોની સામે તપાસ શરૂ કરી છે.
વિદેશમાં જવા માટે ઉત્તર ગુજરાતમાં અનેક એજન્ટો સક્રિય છે. જેઓ ગેરકાયદે રીતે લોકોને અમેરિકા-કેનેડા પહોંચાડે છે. ત્યારે પહેલીવાર IELTS બેન્ડમાં છેડછાડ કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે હવે આ કેસમાં અનેક નામો ખૂલી શકે છે. આ ચાર વિદ્યાર્થીઓએ કયા સેન્ટરથી પરીક્ષા આપી, કોણે તેમને 8 બેન્ડ આપ્યા તે દિશામાં તપાસ કરાશે. ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં મોટા માથાના નામ ખૂલે તેવી શક્યતા છે.