નર્મદા: ગતરોજ નર્મદાના જિલ્લામાં જંગલ જમીનના નવા વન સંરક્ષણ નિયમ 2022 કેન્દ્ર સરકાર દ્વારા 26 જૂન 2022ના રોજ જાહેર કરાયા હતો જેને પકૃતિને પૂજનારા આદિવાસીઓના હક પર તરાપ સમાન ગણાવી આદિવાસી આગેવાનો દ્વારા વન સંરક્ષણ નિયમનો વિરોધ કરી રાજપીપળા ખાતે આવેદનપત્ર અપાયું હતું.
સામાજિક કાર્યકર ડો. શાંતિકર વસાવાના જણાવ્યા અનુસાર સરકારે બનાવેલા નવા વન સંરક્ષણના નિયમો 2022 પેસા કાયદો 1996 તથા વન અધિકાર કાયદો 2005 નું સદંતર ઉલ્લંઘન કરે છે. જંગલની જમીન સરકાર અથવા કોઈ કંપનીને જોઈતી હોય તો ગ્રામસભાની મંજૂરી લેવાની જરૂર નથી. એવું આયોજન કરવામાં આવ્યું છે, 5મી અનુસૂચિ વિસ્તારમાં આ પ્રકારના નિયમો આવનારા સમયમાં આદિવાસી લોકોને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડશે એમાં કોઈ શંકા કરવા જેવું નથી.
આ કાયદાનો વિરોધ નોંધાવવા આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હોઇ તેને લઈ આદિવાસી સામાજિક આગેવાનો દ્વારા રાજપીપળા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.