ગુજરાત: હાલમાં જ એક સર્વેમાં ગુજરાતમાં કોરોનાથી પાંચ મહિના દરમિયાન 825નાં મોત થયા છે જ્યારે તેની સામે ટીબીની બીમારીમાં મોતનો આંક ઊંચો નોંધાયાનું સામે આવ્યું છે ગુજરાતમાં જાન્યુઆરીથી મે 2022 એમ પાંચ મહિનાના અરસામાં ટીબીના 68,718 કેસ નોંધાયા છે જ્યારે 2675 દર્દીનાં મોત થયા છે.
Decision Newsને મેળવેલી માહિતી મુજબ ગુજરાતમાં ચાર વર્ષ ને પાંચ મહિનામાં ટીબીના કુલ 6,47,718 કેસ નોંધાયા છે, જે પૈકી 27,157 દર્દીનાં મોત થયાં છે. 2020માં ટીબીથી સૌથી વધુ 6,870 દર્દીનાં મોત નોંધાયા છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે આ રિપોર્ટ રજૂ કર્યો છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલા ડેટા પ્રમાણે જાન્યુઆરીથી મે 2022 એમ પાંચ મહિનામાં ગુજરાતમાં 2675 દર્દીનાં મોત થયા છે.
અમદાવાદ સ્થિત ટીબી કેન્દ્રના સૂત્રો કહે છે, જે લોકો કોરોનાથી સાજા થયા હોય તેમણે એક વાર ટીબીનું સ્ક્રિનિંગ કરાવવું જોઈએ. ગુજરાતમાં આગામી દિવસોમાં ટીબીના નવા કેસ ઘટે તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, આ માટે સ્ટાફને તાલીમ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે, સંબંધિત વિભાગદ્વારા વધુમાં વધુ લોકોના ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે, જેથી આ રોગને જલદી ડામી શકાય.

