વાંસદા: વરસાદની સિઝનમાં ગલી ગલીઓમાં વેચાતી પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. લોકો ટોળેટોળા વળી પાણીપૂરી ખાવાની મજા માણતા નજરે ચઢે છે પણ વરસાદમાં તમારી પ્રિય પાણીપુરી તમને ગંભીર રીતે બીમાર બનાવી શકે છે જો જો..

વરસાદમાં સમયમાં ટાઇફોઇડ જેવી ખતરનાક બીમારી થવાનું સૌથી મોટું કારણ પાણીપુરી છે. જી હાં, ટાઇફોઇડ હાઇજીન અને ખાન-પાન સાથે જોડાયેલી બીમારી છે, જે ચોમાસામાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. તમને યાદ જ હશે કે, થોડા સમય પહેલા નેપાળના કાઠમાંડૂ અને તેલંગાણાના અમુક વિસ્તારમાં પાણીપુરી પર એટલે રોક લગાવવામાં આવી હતી, કારણ કે તેને ખાઈને હજારો લોકો ટાઇફોઇડથી સંક્રમિત થયાં હતાં.

પાણીપુરી ડિસીઝ ના નામથી મશહૂર ટાઇફોઇડ હકીકતમાં સાલ્મોનેલા ટાઇફી નામના ખતરનાક બેક્ટેરિયાના કારણે થાય છે. આ બેક્ટેરિયા મોંથી પેટ સુધી પહોંચે છે અને લોકોને બીમાર કરે છે. વરસાદમાં આ બેક્ટેરિયા વધારે એક્ટિવ હોય છે અને કોઈ સંક્રમિત વ્યક્તિ પાણીપુરીના પાણીનાં સંપર્કમાં આવે છે તો પાણી સરળતાથી કૉનટૈમિનેટ થાય છે જેને પીને લોકો સરળતાથી સંક્રમિત થઈ જાય છે. જો ટાઇફોઇડની સારવાર સમયસર ના થાય તો, આ બીમારી ગંભીર રૂપ પણ લઈ શકે છે અને થાક, ત્વચા પીળી પડવી, લોહીની ઉલ્ટી અને ઈન્ટર્નલ બ્લીડિંગ પણ થઈ શકે છે. જેનાથી મોતનું જોખમ પણ વધી શકે છે.