ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં કપરાડાની એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની બે આદિવાસી વિદ્યાર્થીનીઓએ એ.1 ગ્રેડ મેળવી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કર્યું છે. ખેરગામની ખુશ્બુ રાજેશભાઈ પટેલે 93.29 ટકા અને 99.90 પર્સેન્ટાઇલ મેળવી જિલ્લામાં પ્રથમ આવી કપરાડા મોડેલ સ્કૂલ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

ખેરગામના વેણ ફળિયામાં રહેતી અને ખેતીકામ કરતા પિતા અને ઘરકામ કરતિ માતાની પુત્રી અને મોડેલ સ્કૂલ કપરાડાની વિદ્યાર્થીની ખુશ્બુ પટેલએ જણાવ્યું કે પરિણામ અપેક્ષા મુજબ જ આવ્યું છે, મહેનતના પ્રમાણમાં જ આવ્યું છે, સાથે સફળતા માટે પરિવારનો સહયોગ અને સાથે શાળાના શિક્ષકોનો સતત માર્ગદર્શનની સાથે સતત વાચન, કોઈપણ ડાઉટનું શિક્ષકો દ્વારા ઝડપથી સોલ્યુશન અને સતત રિવિઝન મહત્વનું પરિબળ છે. તેણીને સફળતા માટે શું જરૂરી છે એવા સવાલનો જવાબ આપતા જણાવ્યું કે  શાળાનું શિક્ષણ અને 5 થી7 કલાકનું વાંચન અને લખીને રિવિઝન જરૂરી છે. સૌથી મહત્વની વાત ખુશ્બુએ જણાવી કે શાળામાં મોબાઈલ પર પ્રતિબંધ પણ સફળતાનુ એક કારણ છે. મારું સ્વપ્ન છે હું ચાર્ટડ એકાઉન્ટ બનું, અને માતાપિતાનું નામ રોશન કરું.

મોડેલ સ્કૂલ કપરાડાની વિદ્યાર્થીની અને જિલ્લામાં ત્રીજા ક્રમે આવેલી જોગવેલ, નિશાળ ફળિયાની અમિષાબેન મણીલાલ ચોહાણએ પણ 91.29 ટકા અને 99.66 પર્સં ન્ટેલ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણે સફળતા માટે ટ્યુશન કે મોબાઈલ જરૂરી ન હોવાનુ જણાવ્યું હતું, સાથે સફળતાનો કોઈ શોર્ટકર્ટ્સ નથી હોતો, ખૂબ મહેનત કરવી પડે છે, સફળતા ચોક્કસ મળશે. ખેતીકામ કરતા પિતાની દીકરી અમીષાનું સ્વપ્ન બેંક મેનેજર બનવા માંગે છે.