ગતરોજ નવસારીનાં લુન્સીકૂઇ મેદાન પાસે જેટકોના કર્મચારીઓના પડતર પ્રશ્નોના સમર્થનમાં કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવાની તૈયારી કરી હતી પરંતુ પોલીસ પરમિશન ન મળતાં કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. પરંતુ લુન્સીકૂઇ પાસે સમર્થકો સાથે ઉભા ધારાસભ્ય અનંત પટેલ અને પોલીસ વચ્ચે કોઈક વાતે ચકમક થઈ હતી. જેને પગલે પોલીસ ટીંગાટોળી કરીને જેટકોના કર્મચારીઓ સહીત ધારાસભ્યને ગ્રામ્ય પોલીસ મથકે લઈ ગઈ હતી. જેમાં ધારાસભ્ય અનંત પટેલને સરકારી વાહનમાં બેસાડતી વખતે LCB PI દીપક કોરાટે કોણીથી અનંત પટેલનું ગળું દબાવ્યું હોવાને લઇ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નવસારી જિલ્લાના લુન્સીકૂઇ મેદાન ખાતે GEB આઉટસોર્સિંગના કર્મચારીઓના હક અધિકારની માગણી માટે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાની હતી. પરંતુ ત્યાં LCB ના PI દીપક કોરાટે વાસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનતભાઈ પટેલને જે આદિવાસી સમાજના દરેક પ્રશ્નોને વાચા આપતા હોય છે. જેને આયોજનપૂર્વક ગળાના ભાગને હાથની કોણીથી દબાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હોય, જેના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આદિવાસી સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઇ રહી છે. આવું બીજા કોઈ પણ ધારાસભ્ય સાથે ન બને તે માટે તાત્કાલિક આવા અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે.
તેમને વધુમાં જણાવ્યું છે કે, આવું કૃત્ય કરનાર LCB ના PI ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે.