IPL 2022ની ફાઈનલમાં જીત મેળવીને ગુજરાતની ટીમે ટાઈટલ પર કબજો કર્યો છે, પહેલીવાર જ આઈપીએલમાં ભાગ લઈ રહેલી હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટાઈટન્સે ટાઈટલ જીતી ઈતિહાસ રચી દીધો છે. જેને લઈને સમગ્ર ગુજરાતના ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ગુજરાત ટાઈટન્સની ટીમ આજે અમદાવાદમાં 5.30 વાગ્યે ભવ્ય રોડ શો યોજાશે. આજે સાંજે ઉસ્માનપુરા રિવરફ્રન્ટ થી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવશે.

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે ગુજરાત ટાઈટન્સની જીત બાદ આજે ઉસ્માનપુરાથી રોડ શો યોજાવાનો છે, જેમાં પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં રોડ શો દરમિયાન ટ્રાફિક ડાઇવર્ઝન પણ શરૂ કરવામાં આવ્યું છે. હયાત હોટલથી ઇન્કમટેક્સ નીચેની તરફથી યુ ટર્ન લઈ ઉસ્માન પુરા, ઉસ્માનપુરાથી જમણી બાજુ થઈ દર્પણ એકેડમી થઈ રિવરફ્રન્ટ પર તરફ અને ત્યાંથી ગાંધીબ્રિજ રિવરફ્રન્ટ સુધી, ગાંધીબ્રિજથી યુ ટર્ન લઈને રિવરફ્રન્ટ પરથી ઉસ્માન પુરા થઈને હયાત હોટલ જશે. અમદાવાદ શહેર પોલીસે રોડ શોને મંજૂરી આપી દીધી છે. કુલ 6 કિલોમીટરનો રોડ શો થશે.

ગુજરાતના ટાઈટન્ટના કેપ્ટન હાર્દિક પંડના ઓલરાઉન્ડ દેખાવ અને શુબમન ગિલની વિજય સિક્સર સહિત 45 રનની ઈનિંગથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાનને 11 બોલ બાકી હતા, ત્યારે સાત વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું હતું જીતવા માટેના 131ના ટાર્ગેટને ગુજરાતે 18.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો.