ધરમપુર: વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વલસાડ અને રોજગાર કચેરી વલસાડના સહયોગથી આજરોજ BAPS સ્વામિનારાયણ સ્કૂલ અબ્રામાં વલસાડ ખાતે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓના કારકિર્દી માર્ગદર્શન સેમીનાર ‘નવી દિશા-નવું ફલક’નુ આયોજન થયું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ પૂર્વ મંત્રી વન પર્યાવરણ અને આદિજાતિ અને ઉમરગામના ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકર સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેમીનારનો પ્રારંભ કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે.એફ. વસાવા સાહેબ દ્વારા અતિથિવિશેષ અને ઉપસ્થિત જિલ્લાની અન્ય કચેરીના વડા, વિદ્યાર્થી અને વાલીઓનું સ્વાગત કરી કારકિર્દી સેમિનારનો હેતુ સમજાવ્યો હતો. ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રીશ્રી વાઘાણી સાહેબનો ઓનલાઈન સંદેશો તેમજ સરકારના જુદા જુદા વિભાગના વડાઓએ બાયસેગ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમની વિશેષતા એ હતી કે જુદા જુદા પાંચ વિભાગમાંથી સ્ટોલનું આયોજન કરી વિદ્યાર્થીઓને સ્થળ પરજ કારકીર્દિલક્ષી સાહિત્ય આપવામાં આવ્યું હતું. તજજ્ઞ વકતા કૃણાલ ગાંધી (રાજચંદ્ર ધરમપુર) અને અશોક પટેલ (ITI, પારડી) દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી ઉપયોગી માહિતી PPT દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.