ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી આવૃત્તિની ફાઈનલ મેચ આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સ્પર્ધામાં પહેલી જ વાર રમી રહેલી ગુજરાત ટાઈટન્સ ટીમ ફાઈનલમાં પહોંચી છે અને પહેલા જ પ્રયાસમાં ચેમ્પિયન બનવા કૃતનિશ્ચયી છે. એનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે છે, જે 14 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બનવાના પ્રયાસમાં છે. ગુજરાત ટીમનું સુકાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંભાળે છે તો 2008ની પ્રારંભિક સ્પર્ધાની વિજેતા રાજસ્થાન ટીમનો કેપ્ટન છે વિકેટકીપર સંજુ સેમસન. બંને ટીમ લીગ તબક્કા બાદ પોઈન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાનો પર રહી હતી.

કોલકાતામાં રમાઈ ગયેલી ક્વાલિફાયર-1 મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7-વિકેટથી પરાજય આપ્યો હતો. જોકે રાજસ્થાન ટીમે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ક્વાલિફાયર-2 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 7-વિકેટથી હરાવીને ફાઈનલમાં, ફરી ગુજરાત સામે રમવાનો મોકો પ્રાપ્ત કર્યો. રાજસ્થાન ટીમે 2008માં તેના કેપ્ટન શેન વોર્નના સુકાનીપદ હેઠળ વિજેતા ટ્રોફી જીતી હતી. કમનસીબે, વોર્ન આજે હયાત નથી.

ગુજરાત ટાઈટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, ગુરકીરત સિંહ, બી. સાઈ સુદર્શન, શુભમન ગિલ, રાહુલ તેવાટિયા, વિજય શંકર, મેથ્યૂ વેડ, રેહમનુલ્લાહ ગુરબાઝ, રિદ્ધિમાન સહા, એ. જોસેફ, દર્શન નાલકંડે, લોકી ફર્ગ્યૂસન, મોહમ્મદ શમી, નૂર એહમદ, પ્રદીપ સાંગ્વાન, રશીદ ખાન, આર. સાઈ કિશોર, વરુણ આરોન, યશ દયાલ.

રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, શિમ્રોન હેટમેયર, દેવદત્ત પડીક્કલ, પ્રસિદ્ધ ક્રિશ્ના, યુઝવેન્દ્ર ચહલ, રિયાન પરાગ, કે.સી. કરિઅપ્પા, નવદીપ સૈની, ઓબેદ મેકોય, અનુનય સિંહ, કુલદીપ સેન, કરુણ નાયર, ધ્રુવ જુરેલ, તેજસ બારોકા, કુલદીપ યાદવ, શુભમન ગઢવાલ, જેમ્સ નીશમ, નેથન કુલ્ટર-નાઈલ, રાસી વાન ડર ડસન, ડેરીસ મિચેલ, કોર્બિન બોશ્ક.