ચીખલી: નવસારી જિલ્લાના ચીખલીના બામણવેલ ગામની સગર્ભાને રાનકુવા PHC બે મહિલા આરોગ્ય કર્મીઓએ સમયસર સારવાર ન આપતાં તેનું અવસાન થયું હોવાનું તારણ કાઢી જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરી હતી જેના પગલે જિલ્લના 700 આરોગ્ય કર્મીઓ આજે બુધવારથી જ્યાં સુધી સસ્પેન્શન પાછું ન ખેંચાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે.

નવસારી જિલ્લાના 45 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 298 સબ સેન્ટરો પર કાર્યરત 700 આરોગ્ય કર્મીઓ તેમની પડતર માંગણીઓ મુદ્દે અસહકાર આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં તેઓ આરોગ્યની સેવાઓ આપી રહ્યા છે, પણ પેનડાઉન કાર્યક્રમ અંતર્ગત રિપોર્ટિંગ નથી કરી રહ્યાં. ચીખલી તાલુકાના રાનકુવા પ્રાથમિક કેન્દ્રોમાં કાર્યરત આરોગ્યકર્મી મંજુલાબેન આહીર અને જયનાબેન પટેલે તેમનાં કાર્યક્ષેત્રમાં આવતા બામણવેલ ગામના 40 વર્ષીય ભાગ્યશ્રીબેન પટેલને એપ્રિલ અને મે મહિનામાં મળી તેમની ગર્ભાવસ્થાની માહિતી મેળવી હતી. પરંતુ ભાગ્યશ્રીબેન સર્ભગા ન હોવાથી એમને કોઈ એમને કોઈ સરકારી સહાય કે એમની સગર્ભા તરીકેની નોંધણી થઈ ન હતી. દરમિયાન ગત 13 મે ના રોજ ભાગ્યશ્રીબેનને પગે સોજા આવવાની સાથે જ તેમની તબિયત બગડતા તેમને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં તેમને 6 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. અને તેમને ચીખલી રેફરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાગ્યશ્રીબેનનું અવસાન થયું હતું. બાદમાં જિલ્લા આરોગ્ય વિભાગે ભાગ્યશ્રીબેનનું અવસાન રાનકુવાના આરોગ્ય કર્મીઓ મંજુલાબેન અને જયનાબેનની ફરજમાં બેદરકારીના કારણે થયું હોવાનું તારણ કાઢી બને મહિલા આરોગ્ય કર્મીઓને સસ્પેન્ડ કરી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ કારણો સર જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ તેમની પડખે ઉભા થયા. જેમાં આજે કર્મીઓ જિલ્લા મંડળ અને રાજ્ય મહાસંઘના માર્ગદર્શનમાં જ્યાં સુધી બંને મહિલા આરોગ્યકર્મીઓના સસ્પેન્શન રદ્દ થયા ત્યાં સુધી તમામ PHC અને સબ સેન્ટરોમાં આરોગ્ય સેવાઓ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી હડતાળ પર ઉતરી ગયા છે.