કેવડિયા: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના કેવડિયા ખાતે 5મીથી 7મી મે દરમ્યાન યોજાયેલી સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર (CCHFW)ની 14મી કૉન્ફરન્સ ‘સ્વાસ્થ્ય ચિંતન શિબિર’નાં સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. તેમની સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર અને ડૉ. વી.કે. પોલ, સભ્ય (આરોગ્ય), નીતિ આયોગ, રાજ્યોના આરોગ્ય મંત્રીઓ, આરોગ્ય સચિવો, રાજ્યના આરોગ્ય પ્રતિનિધિઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રતિનિધિઓ, નીતિ આયોગ, ICMR અને વૈજ્ઞાનિકોએ આ ત્રણ દિવસીય પરિષદમાં ભાગ લીધો હતો.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ,’સ્વાસ્થ્ય ચિંતન શિબિર’માં દેશના આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવા અને આ અમૃત સમયગાળા દરમિયાન આરોગ્ય નીતિના નિર્ણયો અને ભાવિ રોડ મેપ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર વતી, હું તમામ રાજ્ય સરકારોના પ્રતિનિધિઓને ખાતરી આપું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ની સરકાર તમામ રાજ્યોમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. આપણે સાથે મળીને ‘સ્વસ્થ રાજ્ય, સ્વસ્થ રાષ્ટ્ર’ના સંકલ્પ સાથે આગળ વધીશું. તેમણે કોરોનાકાળમાં થયેલ મૃત્યુ અંગે WHO નું અનુમાન અયોગ્ય ગણાવ્યું હતું અને બધા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વિરૂધ પ્રસ્તાવ પસાર કર્યો હતો.

ડૉ. ભારતી પ્રવિણ પવારે જણાવ્યું હતું કે “ચિંતન શિબિરે આપણને આરોગ્ય ક્ષેત્ર અને ગુણવત્તાયુક્ત સેવા વિતરણનાં વિવિધ પાસાઓ પર સામૂહિક મંથનનું લાભદાયી સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે”. કોવિડ19 સામેની લડાઈમાં કેન્દ્ર અને રાજ્યોના સહયોગી અભિગમની પ્રશંસા કરતા, તેમણે રસીના 190 કરોડ ડોઝના સીમાચિહ્નરૂપ સીમાસ્થંભ સુધી પહોંચવા બદલ રાજ્યોની પ્રશંસા કરી. “આપણે સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતને ‘વિશ્વ ગુરુ’ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.