મહુવા: આજરોજ મહુવા તાલુકાના કુમકોતર ગામની પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક અને આદિવાસી સમાજના અગ્રણી ડો. નિરવ ભુલાભાઇ પટેલનાં ધર્મપત્નિ ડો. દિવ્યાંગી પટેલના માતૃશ્રી શ્રીમતિ રસીલાબેન મણિલાલ પટેલનો શાળાપરિવાર દ્વારા ભવ્ય વિદાયસમારંભ યોજવામાં આવ્યો. જેમાં જિલ્લા શિક્ષક સંઘનાં પ્રમુખ પ્રફુલ્લ પટેલ, ઉપપ્રમુખ, કુમકોતર ગામના સરપંચ, CRC, BRC, SMC સભ્યો, ગ્રામજનો, શાળાના બાળકો, રસીલાબેનનાં પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ડો. નિરવ ભુલાભાઇ પટેલે ગુરુવંદના સાથે જણાવ્યું કે શબ્દોની કવિતાઓ ભલે હું લાખો લખું પણ બારાક્ષરીનાં મૂળાક્ષરો તો મને આમના જેવા ગુરુજનોએ શીખવાડ્યા છે.આચાર્ય જીતુભાઇ પટેલે જણાવ્યું કે આટલા નિર્વિવાદ શિક્ષક કે જે ક્યારે આવીને જતા રહે તે ખબર શુદ્ધા નથી પડતી, ક્યારેય કોઈ છોકરાઓને ધમકાવતા જોવા નહીં મળે પણ છોકરાઓ આમાં સમાન શિક્ષક ભણાવતા હોય ત્યારે અવાજ સરખો નહીં કરે અને દરેક વસ્તુમાં ચીવટ ભર્યું કામ એતો રસીલાબેન જ કરી શકે. શિક્ષક સંઘના પ્રમુખ પ્રફુલ્લભાઈ પણ અન્ય 4 જગ્યાએ વિદાયસમારંભ હોવા છતાં એમના માર્ગદર્શક સમાન રસીલાબેન અને હસમુખભાઈના વિદાય સમારંભમાં ખાસ હાજરી આપી એમની લોકપ્રિય કામગીરીઓને બિરદાવી હતી.
આ પ્રસંગે રસીલાબેન હસમુખભાઈ દ્વારા શાળાને કબાટ, બાળકોને નોટબુક્સ, પેન્સિલ, ચોકલેટ, ફૂલ આપી તમામની જિંદગી ફૂલોની માફક મહેકતી રહે એવી શુભકામના આપી હતી. અને એમની દીકરી ડો. દિવ્યાંગી અને ડો. પ્રિયેશ પટેલ દ્વારા શાળાને ડો. આંબેડકરજી અને ક્રાંતિવીર જનનાયક બિરસા મુંડાજીની ફોટોફ્રેમ આપી બાળકો અને ગ્રામજનોને એમના સિદ્ધાંતો જીવનમાં ઉતારવા હાકલ કરી હતી તેમજ શાળાની દીવાલો પર વારલી પેઇન્ટિંગ અને રોડ પર શાળાનું નામ દર્શાવતું રેડિયમવાળું બોર્ડ મૂકી આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત બાળકો, શિક્ષકો અને ગ્રામજનોએ રસીલાબેન અને હસમુખભાઈને પુષ્પવર્ષા કરી વિદાય આપી હતી.વિદાયવેળાએ ખુબ જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. આચાર્ય જીતુભાઇ, પ્રદીપભાઈ, ટ્વિકંલબેન, કલ્પેશભાઈ અને શાળાના બાળકો સહિતનાઓએ ભેગા મળી કાર્યક્રમનું સફળ સંચાલન કર્યુ હતું.











