મહુવા: હાલમાં જ દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલ ગામના ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજો નાબુદ કરીને 33 જેટલા સામાજિક સુધારાઓ સાથેનું પોતાનું અલગ બંધારણ બનાવ્યું છે. આ બંધારણમાં ચૌધરી બોલીને પણ મહત્ત્વ અપાયું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ કાછલ ગામના ગ્રામજનો એકઠા થઇ ગામના સમાજનું બંધારણ તૈયાર કરાયું છે જેમાં કામ વગરના ખર્ચાઓ પર કાપ, પોતાની બોલીને જ મહત્વ આપવા, આદિવાસી રીતિ-રિવાજો પ્રમાણે વિધિઓ થાય એવા 33 પ્રકારના સામાજિક સુધારા વગેરે નિર્ણય કરવામાં આવ્યા હતા. કાછલ દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી, નરેનભાઇ ચૌધરી જેવા આગેવાનીમાં ચૌધરી સમાજનું બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. બંધારણમાં સુધારાની વાત કરવામાં આવે તો સગાઈમાં સોનાની વીંટી પહેરાવવાની અને સગાઈમાં કેક કાપવાની પ્રથા નાબૂદ, સગાઈમાં જમણવાર રાખવું નહિ, સાકર-પડોની પ્રથા બંધ કરવી, લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવી નહિ ફક્ત નોતરું જ નાખવું, લગ્નવિધિ દરમ્યાન ફરજીયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું, મરણ પ્રસંગ જમણવાર રાખવું નહીં, સામાજીક પ્રસંગોએ બીડી, તમાકુની થાળી મુકવી નહીં વગેરે.
હાલમાં ચૌધરી આગેવાનોનું કહેવું છે કે ચૌધરી સમાજની આવનારી નવી પેઢીને ધ્યાનમાં રાખી આ નવું બંધારણ બનાવવામાં આવ્યું છે. આ બંધારણ 1 જૂન 2022થી અમલીકરણ કરવામાં આવશે.

