મુંબઇઃ વર્તમાન સમયમાં જ્યારે આપણા દેશમાં બળાત્કારની ઘટનાઓ મોટા પ્રમાણમાં બનતી હોય છે ત્યારે એક વિશેષ પોક્સો કોર્ટે તાજેતરમાં જ એક 28 વર્ષીય વ્યક્તિને માનસિક રીતે અસ્વસ્થ 15 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કારનો પ્રયાસ કરવાના આરોપમાં 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

મુંબઈની આ ઘટનામાં માધ્યમ પાસેથી મળેલી વિગતો પ્રમાણે કોર્ટે સજા ફટકારતા અવલોકન કર્યું હતું કે બળાત્કાર હત્યા કરતા પણ વધુ જઘન્ય છે કારણ કે તે એક અસહાય મહિલાની આત્માનો નાશ કરે છે. સુનાવણી દરમિયાન આ કેસના બીજા આરોપીનું મોત થયું હતું.

આરોપીઓ પર દયા દાખવવાનો ઇનકાર કરતા કોર્ટે આવા ગુનાઓની સમાજ પર થતી અસરોને ટાંકી હતી. કોર્ટે કહ્યું કે માનસિક રીતે અસ્વસ્થ પીડિતા પર બળાત્કાર કરવામાં આવે તે ગુનો ખૂબ ગંભીર હોય છે. બળાત્કાર એ હત્યા કરતા પણ વધુ જઘન્ય ગુનો છે. કારણ કે તે એક લાચાર મહિલાની આત્માનો નાશ કરે છે.