નવસારી: હાલમાં જ ઘણા જંગલના પશુઓનો મરણ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે જિલ્લાના ડાભર ગામે મૃત હાલતમાં દીપડો મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ દીપડાનું 4 દિવસ પહેલા કોઈ અગમ્ય કારણસર મૃત્યુ થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
જલાલપોર તાલુકાના ડાંભર ગામે આવેલી ઝાડીમાંથી અંદાજે 4 વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. દીપડાનું મૃત્યુ અંદાજે ત્રણથી ચાર દિવસ અગાઉ થયું હોવાનું વન વિભાગમાંથી માહિતી પ્રાપ્ત થઇ હતી. કોઈ પ્રાણી દીપડાના શરીરનું ભક્ષણ પણ કર્યું હોવાનું હાલ પ્રાથમિક તારણ વન વિભાગે આપ્યું હતું.
નવસારી સામાજીક વનીકરણ વિભાગને ખબર પડતાં મૃત દીપડાનો કબજો લઇ વનવિભાગ દ્વારા મૃત દીપડાનું પીએમ કરી અંતિમ સંસ્કાર કરવામાં આવનાર હોવાનું વન વિભાગના આરએફઓ અલકેશભાઇ પટેલે જણાવ્યું હતું.

            
		








