સુરત: આજે સુરતમાં ફરી એકવાર તક્ષશિલા કાંડની યાદ તાજી કરાવનારી ઘટના બની છે. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ નાની અમથી ભૂલ આજે ફરી ભારે પડી શકે તેમ હતી. આજે સિંગણપોર વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં મોટી આગની દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં 20થી વધુ બાળકો ફસાયા હોવાના સમાચાર હતા.
જોકે આગ ઘટનાની માહિતી મળતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દિલઘડક રેસ્ક્યૂ કરીને તમામ લોકોનો જીવ બચાવ્યો હતો. બિલ્ડિંગના ફાયરને લીધે 3rd ફ્લોર પર આશરે 20 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. જેમને તાત્કાલિક બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુરત સીટીના સરથાણા વિસ્તારમાં આવેલી ડિવાઈન સેન્ટર નામની બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી ગઈ હતી. ફાયરબ્રિગેડે ઘટનાની જાણ થતા જ રેસ્ક્યૂ કરવા પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું સાથે જ આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ફાયરની ટીમે ક્રેનની મદદ લીધી હતી અને 17 જેટલા લોકોને સુરક્ષિત બહાર નિકાળ્યા હતા. બે મિનિટ માટે તો સ્થાનિક લોકોને ફરી તક્ષશિલાકાંડની આગના દ્રશ્યો દેખાયા હતા. જોકે ફાયરબ્રિગેડ આવી જતાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને મોટી દુર્ઘટના ટાળી હતી. આ ઘટના અંગે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ત્રીજા માળે લગભગ 20થી 22 જેટલાં બાળકો ફસાયા હતા તે તમામને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ સલામત છે.