ગુજરાત: ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા યોગ્ય રીતે ન થઈ હોવાના આક્ષેપ સાથે દાહોદના લીમખેડાના 17 ખેડુતોએ અરજી કરી છે જેની સુનાવણી બાદ, હાઈકોર્ટે નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ્ ઈન્ડિયાને નોટિસ પાઠવી છે .

Decision Newsને મળેલી માહિતી મુજબ આ કેસની વધુ સુનાવણી બીજી માર્ચે હાથ ધરવામાં આવશે. અરજદારના વકીલની રજૂઆત હતી કે, એનએચઆઈએ દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કેટલાક ગામના ખેડૂતોની જમીનનું સંપાદન યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી અને નક્કી કરાયેલા ધારાધોરણનું પાલન પણ થયેલું નથી અને બીજું અગત્યનું કે આ કાર્ય કરતી વખતે ગ્રામપંચાયતને પણ વિશ્વાસમાં લેવામાં આવેલી નથી.

આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં મુંબઈ-વડોદરા અને બીજા તબક્કામાં વડોદરા-દિલ્હી વચ્ચે હાઈ-વેની કામગીરી શરૂ થયેલી છે. જેમાં વડોદરાથી દિલ્હી તરફ્ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વડોદરા, પંચમહાલ, દાહોદના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થશે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યોના મોટા શહેરોને એકબીજા સાથે જોડવા માટે કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે.