કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અતિપછાત અને અદિવાસી વિસ્‍તારમાં આવેલ ગીરનારા આશ્રમશાળાના નવીનિકરણ માટે આજ રોજ જિલ્લા પંચાયત વલસાડના જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની અને પીડીલાઇટ ઇન્‍ડસ્‍ટ્રીઝ લી. વચ્‍ચે એક કરોડ રૂપિયાના એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ જિલ્લા પંચાયત વલસાડ તરફથી જિલ્લા ગ્રાન્‍ટમાંથી પચાસ લાખ તેમજ પીડીલાઇટ ઇન્‍ડસ્‍ટ્રીઝ લી. દ્વારા પચાસ લાખ એમ કુલ એક કરોડ રૂપિયાના ખર્ચે ૮ ક્‍લાસ રૂમ, ર હોસ્‍ટેલ તથા ૩ સ્‍ટાફ કવાટર્સ બનાવવા તથા મેસ રીનોવશન માટે પીપીપી ધોરણે આયોજન અંગે MOU કરવામાં આવ્‍યા છે. જેનાથી ભવિષ્‍યમાં આદિવાસી વિસ્‍તારના બાળકોને આધુનિક સુવિધાયુકત શિક્ષણ અંગે સવલત ઊભી થશે.

ઉલ્લેખનીય છે કે, કપરાડા તાલુકાના આદિવાસી વિસ્‍તારમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત ગીરનારા આશ્રમશાળા ખૂબ જર્જરીત હાલતમાં છે. જેમાં હાલમાં કુલ-૧૩૨ બાળકો અભ્‍યાસ કરે છે. જેથી આદિવાસી વિદ્યાર્થીઓના હિતને ધ્‍યાને લઇ, આધુનિક સુવિધાયુકત કેમ્‍પસ બનાવવા અંગેની પરિકલ્‍પના જિલ્લા પંચાયત વલસાડ દ્વારા કરવામાં આવી છે. ભવિષ્‍યમાં પણ જિલ્લા પંચાયત આ પ્રકારના શૈક્ષણિક કાર્યો કરવા કટીબદ્ધ હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.