હાલમાં જ ઈલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેકટરો અને એમડીએ બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂપિયા 632 કરોડની ઠગાઈ આચર્યાની ફરિયાદ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર અજય ઠાકુરે દ્વારા 5 દિવસ અગાઉ સીબીઆઈમાં નોંધાવવામાં આવી છે.

સંદેશમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી જનરલ મેનેજર અજય ઠાકુરે સીબીઆઈમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોથર્મ કંપનીને 2011માં રૂ.703 કરોડની કેશ ક્રેડિટ ફેસિલિટી આપવામાં આવી હતી. જો કે, 2011માં કંપની આર્થિક સંકટનો સામનો કરવા લાગી અને બેંકના પૈસા ભરવામાં અસફળ રહી હતી.

આ દરમિયાનમાં 2012માં કંપનીના એકાઉન્ટને એનપીએ કરવામાં આવ્યું હતું. બેંક તરફથી બાદમાં ગત તા.31-12-2012ના રોજ કંપનીના એકાઉન્ટનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું જેમાં ધ્યાને આવ્યું કે, કરોડો રૂપિયાના ટ્રાન્ઝેકશન શંકાસ્પદ ડીલરોના એકાઉન્ટમાં થયા હતા, કે જે માલ મોક્લ્યા વગર ખોટા બિલો રજૂ કરવામાં સામેલ હતા.

આ શંકાસ્પદ ડીલરોમાંથી અમુક આ ફ્રોડમાં સામેલ હોય તેવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. 2014 સુધી ઈલેક્ટ્રોથર્મ કંપની પાસેથી બેંક ઓફ ઈન્ડિયાના બાકી લેણાં 631.93 કરોડના છે. આ આરોપીઓએ 2007 થી 2020ના સમયગાળા દરમિયાન એકબીજા સાથે મળી બેંક સાથે ઠગાઈનું કરવાનું કાવતરું રચી જૂદા જૂદા સ્તરે ધિરાણ મેળવી ઠગાઈ આચરી હતી. આ રીતે આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં બેંકને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડયું હતું.

આ ફરિયાદમાં ઈલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેકટર મુકેશ ભંવરલાલ ભંડારી, એમડી શૈલેષ ભવરલાલ ભંડારી, ફૂલ ટાઈમ ડાયરેકટર નરેન્દ્ર બાબુભાઈ દલાલ અને એમડી અવિનાશ પ્રકાશચંદ્ર ભંડારી તેમજ તપાસમાં જે મળી આવે તે તમામ સામે આઈપીસીની સેકશન 120 બી, 420, પીસી એક્ટ 1988ની કલમ 13 (1) ડી, 13 (2), પીસી એક્ટ 2018ની કલમ 7 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સીબીઆઈ ટીમે ઈલેક્ટ્રોથર્મ કંપનીની ફેક્ટરી અને માલિકોના રહેઠાણ સહીત જૂદા જૂદા સ્થળોએ મંગળવારે દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. હાલમાં દરોડાને પગલે શૈલેષ ભંડારી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે તેની બધી જ પ્રોપટી જપ્ત કરવામાં આવી રહી છે.