આજની ત્રીજી જાન્યુઆરીએ આદિવાસીઓના લીડર મરાન્ગે ગોમકે “સર્વોચ્ચ નેતા” જયપાલસિંહ મુંડા જન્મજયંતી નિમિત્તે Decision News સાથે તેમની જાણી અજાણી વાતોનો વિશેષ અહેવાલ આપ સમક્ષ મુકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જેમની કુશળ નેત્રુત્વ ક્ષમતાને બિરદાવવા માટે “મરાન્ગે ગોમકે” એટલે કે સર્વોચ્ચ નેતા (Great Leader)નું બિરુદ આપવામા આવ્યુ હતુ તેવા જયપાલસિંહ મુંડાનો જન્મ તત્કાલીન બિહાર અને હાલના ઝારખંડ રાજ્યના ખૂંટી જિલ્લાના ટકરા તાલુકાના પહનતોલી નામના ગામમાં ૩જી જાન્યુઆરી ૧૯૦૩ ના રોજ થયો હતો, પિતા આમરુપાહન મુંડા અને માતા રાધામુનીને ત્યાં જન્મેલ જયપાલસિંહ નાનપણથી જ તેજસ્વી અને ચકકોર હતા, પ્રાથમિક શિક્ષણ સ્થાનિક સ્કૂલમાં લીધાં બાદ ભણવામાં હોશિયાર અને રમત ક્ષેત્રે પણ નાનપણથી જ વિશેષ રુચિ ધરાવતા અને બાળપણથી જ ખાસ કરીને હોકી રમવાનું પસંદ કરતા, જયપાલસિંહની પ્રતિભાને ઓળખી જતાં એક અંગ્રેજ શિક્ષક પોતાની સાથે તેને ઈન્ગલેન્ડ લઈ ગયા હતા અને ઉચ્ચ શિક્ષણ અપાવ્યુ હતુ. વિશ્વ વિખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટી ની સેંટ જોન્સ કોલેજમાં સ્નાતક થયા બાદ તેઓ ઓક્સફોર્ડ યુનિ.માં અર્થશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. એટલુ જ નહી તેઓ તેમાં ગોલ્ડમેડાલિસ્ટ થયા હતા.
જયપાલસિંહ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને ભણવા સાથે અનેક બીજી ઘણી પ્રવ્રુતિઓમાં તેઓ અગ્રેસર રહેતા હતા. ઈંગ્લેન્ડમાં અભ્યાસ અર્થે ગયા તેમાં ઓક્સફોર્ડ ભારતીય વિધાર્થી ફીલોસોફીકલ સોસાયટીના તેઓ પ્રમુખ પદે પણ રહ્યા હતા. સાથે તેઓ અવ્વલ કક્ષાના રમતવીર પણ હતા. બૌદ્ધિક વિદ્વતાની સાથે ઓક્સફોર્ડ યુનિ.માં ફુટબોલ અને હોકીના શ્રેષ્ઠ ખેલાડી હતા. “ઓક્સફોર્ડ બ્લૂ”નો ખિતાબ મેળવનાર હોકીના તેઓ એક માત્ર આંતરરાષ્ટ્રિય ખેલાડી હતા.
અનુસ્નાતક થવાની સાથે જયપાલસિંહ મુંડાએ અત્યારે જેને આપણે આઈ.એ.એસ કહીએ છીએ છે તેવી તે સમયની આઈ.સી.એસની પરીક્ષામા ઉતીર્ણ થયા હતા. એટલુજ નહી તેના પર્શનલ ઈન્ટરવ્યુમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આઇસીએસમાં ઉત્તીર્ણ થવું તે માત્ર ભારતીય ધનાઢ્ય લોકોનું જ સ્વપ્નું કહી શકાતું, જેમાં જયપાલસિંહ અપવાદ હતા. જ્યારે તેઓ આઈસીએસની તાલીમ લઈ રહ્યા હતા તેજ અરસામા નેધરલેન્ડના નાસ્ટરડેમમા આંતરરાષ્ટ્રિય ઓલિમ્પિક રમાઈ રહી હતી. અને ભારત સૌ પ્રથમ વાર તેની હોકીની ટીમ તેમા ઉતારી રહ્યુ હતુ. આ સમયે જયપાલસિંહને ઈન્ગ્લેન્ડમાં અને ભારતની બંન્ને ટીમોમાં જોડાવાનુ આમંત્રણ આપવામા આવ્યુ હતુ. જોકે આઈ.સી.એસ જેવી સૌથી પ્રતિષ્ઠિત કારકીર્દી છોડીને રમતમા જોડાવાનો મોટો નિર્ણય જયપાલસિંહે કર્યો હતો. જેની નસેનસમાં દેશપ્રેમ અને સ્વમાન ભરેલું હતુ તેવા જયપાલસિંહ આઈ.સી.એસની કારર્કીર્દીને છોડીને હોકી રમવા અને તે પણ ભારત વતી રમવાનો નિર્ણય કર્યો અને દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય હોકી ટીમના તેઓ કપ્તાન બન્યા હતા.
ભારત રત્ન ધ્યાનચંદ જે ટીમના ખેલાડી હતા તે વિશ્વ વિજેતા ટીમના કપ્તાન આદિવાસી સમાજના જયપાલસિંહ મુન્ડા હતા. ૧૯૩૪ માં તેઓ પ્રિન્સ વેલ્સ કોલેજ ઘાનામાં પ્રોફેસર રહ્યા હતા અને ત્યારબાદ ૧૯૩૮ માં જ્યાં રાજા મહારાજા ઓનાં છોકરા-છોકરીઓ અભ્યાસ કરતા તેવી દેશની ખ્યાતનામ કોલેજમાં પ્રિન્સીપાલ રહ્યા હતા, આમ તેઓ દેશના ખ્યાતનામ શિક્ષણવિદ્ પણ હતા. ૧૯૫૦ માં જયપાલસિંહ મુંડા ફલાઇગ ક્લબના અધ્યક્ષ બન્યા, ૧૯૫૧ માં ધ્યાનચંદ હોકી ટૂર્નામેન્ટના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા, ૧૯૫૭ થી ૧૯૬૧ સુધી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા દેશમાં રમતોની સ્થિતિ પર બનાવવામાં આવેલ ત્રણ સભ્યોની તપાસ સમિતિના સભ્ય પણ રહ્યા હતા.
છોટાઉદેપુર થી આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા જયપાલસિંહ મુંડા વિશે વધુ જણાવતાં લખે છે કે વર્ષ ૧૯૩૮ માં આદિવાસી મહાસભાની રચના કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ તરીકે જયપાલસિંહ મુંડા નિમાયા હતા ત્યારે આદિવાસી મહાસભાના મંચ પરથી દુનિયાને પહેલીવાર અમે આદિવાસી છીએ તેમ આદિવાસી શબ્દનો ઉપયોગ કર્યો હતો, અમે આદિવાસીઓ માટે આદિવાસી શબ્દ સિવાય બીજો અન્ય કોઈ શબ્દ મંજુર નથી તેવી વાત તેમણે કહી હતી, અને આદિવાસી મહાસભા યોજાઇ હતી જેમાં બિહાર થી અલગ ઝારખંડ રાજ્યની માંગ કરવામાં આવી હતી, આઝાદી બાદ બનાવવામાં આવેલી ભારતીય બંધારણ સમિતિના એક માત્ર આદિવાસી સભ્ય તરીકે નિયુક્ત થયા હતા અને ભારતીય બંધારણમાં આદિવાસીઓનો અવાજ બુલંદ બનાવી સંવિધાન સભામાં સકારાત્મક ઢબે આદિવાસીઓની વાત મુકી હતી, આદિવાસી ઓ તેમજ પછાત વર્ગના લોકો માટે ભારતીય બંધારણમાં યોગ્ય દિશા ઓ ચિંધવામાં તેમજ અનેકવિધ ક્ષેત્રે દેશને ગૌરવ અપાવનાર અને રમત-ગમત ક્ષેત્રે દેશ માટે મહત્વનું યોગદાન આપનાર આદિવાસી નેતાને ઇતિહાસ માં યોગ્ય સ્થાન મળ્યું નથી અને આ મહાન વિભૂતિને ભારતરત્નથી નવાજવામાં ચૂંક કરવામાં આવી છે જે કમનસીબ બાબત કહીં શકાય.
આઝાદીની લડતના લડવૈયા અને બિહાર ઝારખંડ રાજ્યમાં જ ખૂંટી જિલ્લાના ઊલીહાતુમાં જન્મેલા આદિવાસી યોધ્ધા બિરસા મુંડાની શહીદીના ત્રણ વર્ષ પછી જન્મેલા જયપાલસિંહ મુંડાએ આદિવાસી યોધ્ધા શહીદ બિરસા મુંડાની અધુરી રહી ગયેલી ઉલગુલાન (લડાઈ) આગળ ધપાવી હતી અને ભારતીય આદિવાસી ઓ અને ઝારખંડ આંદોલનના સર્વોચ્ચ નેતા હતા તરીકે અહીંની સાંથાળીમાં “મંરાગે ગોમકે”. એટલે કે સર્વોચ્ચ નેતા તરીકે ઓળખાયા, તે જાણીતા આદિવાસી રાજનીતિજ્ઞ, પત્રકાર, લેખક, સંપાદક, શિક્ષણવિદ હતા.
જયપાલસિંહ મુંડા વર્ષ ૧૯૫૨માં ખૂંટીથી લોકસભા ચૂંટણી જીતીને સતત ચાર ટર્મ સાંસદ તરીકે સંસદમાં ગયા હતા, અને સાંસદ તરીકે ચાલુ હતા ને ૨૦મી માર્ચ ૧૯૭૦ ના રોજ દિલ્હી ખાતે આ મહામાનવનું મહાપ્રયાણ થયું, પ્રકૃતિમાં વિલીન થઈ ગયા હતા.
BY નયનેશ તડવી