નર્મદા: નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી અન્વયે તારીખ 19 મી ડિસેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી તારીખ 21 મી ડિસેમ્બરને મંગળવારના રોજ સવારે નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાઈ હતી, ત્યારે ગરૂડેશ્વર મતગણતરી કેન્દ્રમાં મત ગણતરીમાં ઉમેદવારોને અસંતોષ અને ગેરરીતિ થયાના વિવાદ થયા બાદ ફરિયાદો થઈ છે.
Decision Newsને પ્રાપ્ત માહિતી અનુસાર ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ મતદાન અને ગેરરીતિ વિરુદ્ધ કાર્યવાહી કરવા કેવડીયા ગામના ઉમેદવાર અને સભ્યો દ્વારા લેખિતમાં પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. જુઓ આ વીડીઓમાં..
ફરિયાદમાં જણાવ્યું છે કે, વોર્ડ નંબર-૭ માં થયેલ કુલ મતદાન – ૧૩૩ છે જેની સામે ગણતરીના મતોની સંખ્યા- ૧૩૭ છે તેવું મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવતાં ગણતરીની કાર્યવાહી અટકાવવા માંગ કરી પરંતુ અધિકારીઓએ એમની મનમાની ચલવી અને વોર્ડ નંબર – ૮ ની ગણતરી ચાલુ કરી, વોર્ડ નંબર- ૮માં કુલ મતદાન- ૧૧૪ છે જેની સામે ગણતરીના મતોની સંખ્યા – ૧૧૦ છે તેવું જાહેર થતાં અમો એજન્ટો અને ઉમેદવારોએ વાંધો ઉઠાવ્યો હતો, અમારી વાત સ્થાનિક અધિકારીઓએ ન સાંભળતા અને ગેર વર્તણુક કર્યું હતું. જેની ફરિયાદ કેવડીયા પોલીસ સ્ટેશનમાં આપવા ગયેલા તે દરમ્યાન બાકી રહેલ મત પેટીઓ અમો અરજદારનોની ગેરહાજરીમાં સહી લીધા વગર મત પેટી ખોલી ગણતરી પૂર્ણ કરી આ કામના સામાવાળા વિજેતા જાહેર કરેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નિષ્પક્ષ તપાસ કરી ખુલાસો કરવામાં આવે અને ફેર મતદાન કરવાની માગણી કરી રહ્યા છે.