ડાંગ: જિલ્લામાં કુલ 36 ગ્રૂપ ગ્રામ પંચાયતોમાંથી ભાજપા પેનલ સમર્પિત 20 સરપંચ પદનાં ઉમેદવારો તથા કૉંગ્રેસ પેનલ સમર્પિત 12 સરપંચ પદનાં ઉમેદવારો તેમજ અપક્ષ પેનલનાં 04 સરપંચ પદનાં ઉમેદવારો વિજેતા બન્યા. સમસ્ત રાજ્યની જેમ ડાંગ જિલ્લામાં પણ ગ્રૂપ ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં આખરી પરીણામો જાહેર થઈ ગયા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં કુલ 36 ગ્રૂપ ગ્રામ પંચાયતનાં સરપંચ પદનાં ઉમેદવારોની તથા 39 ગ્રૂપ ગ્રામ પંચાયતનાં 327 વોર્ડ મેમ્બરોની મત ગણતરી ગતરોજ મોડી રાત્રી સુધી ચાલી હતી.ડાંગ જિલ્લામાં આહવા કોલેજ ખાતે આહવા તાલુકાની 13 ગ્રૂપ ગ્રામ પંચાયતોની મતગણતરી યોજાઈ હતી.સુબિર તાલુકાની 12 ગ્રૂપ ગ્રામ પંચાયતોની મતગણતરી સુબિર તાલુકા સેવાસદન ખાતે યોજાઈ હતી.જ્યારે વઘઇની 14 ગ્રૂપ ગ્રામ પંચાયતની મતગણતરી વઘઇ સેવા સદન ખાતે મોડી રાત્રે સુધી ચાલી હતી.ડાંગ જિલ્લામાં ગ્રૂપ ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં પરીણામમાં આહવા અને સુબિર તાલુકામાં ભાજપા પેનલ સમર્પિતનાં ઉમેદવારોનો દબદબો રહેતા અહી મોટી સંખ્યામાં ભાજપાનાં સરપંચ અને વોર્ડ સભ્યો વિજેતા બન્યા હતા.તો બીજી તરફ વઘઇ તાલુકામાં ગ્રૂપ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં કૉંગ્રેસ પેનલ સમર્પિત સરપંચ અને વોર્ડ સભ્યોનો ભારે દબદબો રહેતા અહી કોંગ્રેસીઓ ગેલમાં આવી ગયા હતા.જ્યાં ભાજપનાં સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતુ.
ડાંગ જિલ્લામાં ગ્રૂપ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આહવા તાલુકામાં ભાજપા પેનલનાં 11 સરપંચ,01 કૉંગ્રેસ પેનલનો,તથા અપક્ષનો 01 સરપંચ વિજેતા બન્યો હતો.જ્યારે વઘઇ તાલુકામાં 08 સરપંચ કૉંગ્રેસ પેનલનાં તો 05 સરપંચ ભાજપા પેનલનાં જ્યારે સુબિર તાલુકામાં 04 ભાજપા પેનલનાં,03 કૉંગ્રેસ પેનલનાં તેમજ 03 અપક્ષ પેનલનાં સરપંચ પદનાં ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

