વાંસદા-ચીખલી: જિલ્લામાં યોજાયેલી 269 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 6 તાલુકામાં મંગળવારે મત ગણતરી પૂર્ણ થયા બાદ હવે ચૂંટાયેલ સરપંચો અને વોર્ડ સભ્યો ગામમાં સરકાર ચલાવશે. આ ચૂંટણી માટે મતદાન ઇવીએમથી નહીં પણ મતપેટીમાં મત નાખી કરાયું હોય તથા સરપંચ ઉપરાંત વોર્ડ સભ્યના મતની પણ ગણતરી કરવાની હોય વિલંબ થયો હતો.
જોકે નવસારી તાલુકામાં પંચાયતોની મત ગણતરી હોવા છતાં 5 વાગ્યા પહેલા અને જલાલપોર તાલુકાની ગ્રામ પંચાયતોની પોણા આઠ પહેલા ગણતરી પુરી થઈ હતી. વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકામાં તો વધુ ગ્રામ પંચાયતોની મત ગણતરી હોય મોડે સુધી મત ગણતરી ચાલી હતી પણ જ્યાં 22 જ ગ્રામ પંચાયતોની ગણતરી હોવા છતાં ગણતરીમાં વિલંબ થયો હતો.
જિલ્લાના દરેક તાલુકામાં જેમ જેમ પરિણામ આવતા ગયા તેમ વિજેતા સરપંચ અને વોર્ડ સભ્યોમાં વિજયની ખુશી ફેલાઈ હતી.તમામ મત ગણતરી કેન્દ્રોની બહાર ઉમેદવારોના ટેકેદારોના ટોળે ટોળે જોવા મળ્યા હતા. અમુક વખતે પાતળી સરસાઇ વચ્ચે ‘મિસીંગ મતો’થી વિવાદ જોવા મળ્યો હતો.જયારે અમુક કિસ્સાઓમાં કેટલાક ધૂરંધરોની હાર, કેટલાકનો દબદબો યથાવત અને એક અને બે મત જ મળ્યાના રસપ્રદ કિસ્સા સામે આવ્યા હતા મતદાન મથકો પર ઉમેદવારોના સમર્થકોએ સવારથી જ લાંબી લાઇનો લગાવી ઉભા હતા જોકે પરિણામમાં વિલંબ થતા સમર્થકોએ થાકીને જાહેર માર્ગ પર જ બેસીને પ્રતિક્ષા કરી હતી. આ બધામાં મોટાભાગના સ્થળો પર કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન નજરે ચડ્યું હતું.

