છોટાઉદેપુર: આદિજાતિ વિકાસ આરોગ્ય રાજયમંત્રીશ્રી નિમિષાબેન સુથારે ગઈકાલે પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં જીએફએલ કંપનીના પ્લાન્ટમાં થયેલ આગની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ કર્મચારીઓની આજે હોસ્પિટલમાં મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ રાજ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા અને પ્રાંત અધિકારીશ્રી એ.કે.ગૌતમ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે હાલોલની માં સર્જિકલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ૮ જેટલા ઇજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાત લેતા તેમની સ્થિતિ અને કરાઈ રહેલી સારવાર વિશે વિગતો મેળવતા ઘાયલ વ્યક્તિઓને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા અંગે સૂચના આપી હતી.

આ ઉપરાંત, મંત્રીશ્રીએ વડોદરા ખાતે દાખલ ૨ ઇજાગ્રસ્તોની સ્થિતિ વિશે પણ જાણકારી મેળવી હતી. તેમણે દુર્ઘટના બાદ હાથ ધરાયેલી બચાવ-રાહત કામગીરી વિષે વિગતો મેળવતા આગના પરિણામે જીવ ગુમાવનાર કર્મચારીઓના પરિવાર માટે સહાનુભૂતિ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન હાલોલ નગરપાલિકાના પ્રમુખશ્રી વિભાક્ષીબેન દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મીનાક્ષીબેન ચૌહાણ હાજર રહ્યા હતા.