વાંસદા: ગતરોજ વાંસદાના ધારાસભ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ગરીબોની કસ્તુરી સમાન કેરોસીન બંધ કરવામાં આવેલા કેરોસીન ફરીથી શરુ થાય તે માટે પૂરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કારણ કે રાંધણ ગેસના ભાવો રોજબરોજ વધતા ગરીબો તેમજ મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારના આદિવાસી સમાજની મહિલાઓને કેરોસીન વગર ચૂલો સળગાવવા ફાંફા પડતા તેઓ હટવાડામાંથી કચરો જેમાં પ્લાસ્ટિક હોય એવો કચરો વીણી લાવીને વહેલી સવારે ચૂલો સળગાવી રહી છે, જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. પ્લાસ્ટિકના કચરો સળગાવવાથી એના ધુમાડાથી કેન્સર થઈ શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે માંગણી કરી છે કે, આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને મંત્રી ઘઉં ઓછા કરીને ચોખા વધુ આપી રહ્યા છે એવા સંજોગોમાં આદિવાસી વિસ્તારમાં ત્રણ લીટર જેટલું કેરોસીન આપો. જેના થકી ગરીબ, મધ્યમવર્ગીય આદિવાસી સમાજના લોકો ચૂલો સળગાવી શકે છે.

સસ્તા અનાજની દુકાનમાં કેરોસીન મળતું હતું ત્યારે ચૂલો સળગાવવા માટે કોઈ મગજમારી ન હતી. સસ્તા અનાજની દુકાનમાંથી કેરોસીન આપવાનું બંધ કરતા અમારે પ્લાસ્ટિક વીણી લાવી ચૂલો સળગાવો પડે છે. ગેસના સિલિન્ડરના ભાવ અમને પોષાતો નથી. સરકાર જો પાછું કેરોસીન આપે તો અમને રાહત થાય- રામીબેન પટેલ- વાંસદા