કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના રાજીનામા માટે વિપક્ષો ખૂબ જ પ્રેશર કરી રહ્યા છે. તેમના દીકરા પર ઉત્તર પ્રદેશના લખીમપુર ખૈરીમાં ખેડૂતોને પોતાના વેહિકલથી કચડી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને હાલમાં તે જેલમાં કેદ છે. હવે સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલા એક વિડિયોથી જણાતું હતું કે તેમણે તેમના મગજ પરનો કાબૂ ગુમાવ્યો છે, કેમ કે આ વિડિયોમાં તેઓ મીડિયા-કર્મચારીઓને અપશબ્દો કહેતા જ નહીં, પરંતુ એક પત્રકાર પર હાથ ઉગામવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા.
સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે લખીમપુર ખૈરી હિંસાને પૂર્વઆયોજિત કાવતરું ગણાવ્યું છે અને આશિષ મિશ્રાની વિરુદ્ધ નવા ગંભીર આરોપો મૂકવાની ભલામણ કરી છે, જેના વિશે એક પત્રકારે અજય મિશ્રાને સવાલ પૂછતાં તેઓ મોટેથી બોલવા લાગ્યા હતા કે ‘આવા મૂર્ખામીભર્યા સવાલો ન પૂછો. દિમાગ ખરાબ થઈ ગયું છે? અન્ય અપશબ્દો બોલીને અભદ્રતા કરી હતી.
અજય મિશ્રા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી છે. તેઓ આ વિડિયોમાં એક રિપોર્ટર તરફ ધસી જઈને તેનું માઇક છીનવી લેવાની પણ કોશિશ કરીને એમ કહેતા જોવા મળ્યા હતા કે ‘માઇક બંધ કર બે.’ આ વિડિયોમાં તેઓ અપશબ્દો કહેતા તેમ જ રિપોર્ટર્સને ‘ચોર’ કહેતા પણ જોવા મળ્યા હતા. આ મિનિસ્ટર લખીમપુર ખૈરીમાં એક ઑક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.

