ગયા વર્ષે પાંચ ઓક્ટોબરે પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 110 બેટેલિયનના કોન્સ્ટેબલ શૈલેન્દ્ર પ્રતાપ સિંહની બહેનનાં લગ્નમાં CRPFના જવાનોના એક ગ્રુપે હાજરી આપી હતી અને મોટા ભાઈની ગેરહાજરીને પૂરી કરીને ‘ભાઈ’ની ફરજ પૂરી કરી  હતી. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં શૈલેન્દ્રની બહેનના લગ્નનો પ્રસંગ હતો. આ જવાનોએ જ્યોતિના ભાઈ તરીકે લગ્નમાં બધા રીતરિવાજો પૂરા કર્યા હતા અને જ્યોતિને આશીર્વાદ આપ્યા હતા. CRPFના સત્તાવાર ટવિટર હેન્ડલથી કરવામાં આવેલા ટ્વીટમાં આ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ટ્વીટમાં જવાનોએ શૈલેન્દ્રની બહેનને બ્રધર્સ ફોર લાઇફ બતાવ્યા હતા.

શહીદ શૈલૈન્દ્ર પ્રતાપ સિંહના પિતાએ કહ્યું હતું કે મારો પુત્ર હવે આ દુનિયામાં નથી, પણ મારી પાસે CRPFના જવાનો સ્વરૂપે અનેક પુત્રો છે, જે અમારાં સુખદુઃખમાં અમારી પડખે છે.

CRPF જવાનોએ લગ્ન પ્રસંગે અચાનક પહોંચીને શૈલેન્દ્રના પરિવારને અને પ્રસંગમાં હાજર રહેલા સર્વે લોકોને ભાવુક બનાવી દીધા હતા. જવાનોએ ભાઈની ભૂમિકા ભજવતાં શહીદ શૈલેન્દ્રની કમીને પૂરી કરવા પ્રયાસ કર્યા હતા, એમ એક સિનિયર અધિકારીએ કહ્યું હતું.

ગયા વર્ષે પાંચ ઓક્ટોબરે CRPFના જવાન શૈલેન્દ્ર પ્રતાપ સિંહ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની બહારના વિસ્તાપરમાં એક હાઇવે ડ્યૂટી પર તહેનાત હતો, ત્યારે આતંકવાદીઓએ તેમની પર અંધાધૂધ ગોળીઓ વરસાવી હતી, જેમાં બે જવાન શહીદ થયા હતા અને પાંચ જવાન ઘાયલ થયા હતા. આ હુમલામાં શૈલેન્દ્ર પ્રતાપ સિંહ પણ શહીદ થયો હતો.