ડાંગ: બાળકના ભવિષ્ય શિક્ષક ઉજ્જવળ બનાવતા દાખલા સાંભળ્યા છે પણ હાલમાં જ દક્ષિણ ગુજરાતના સીમાડે આવેલા ડાંગ જિલ્લાના ભીસ્યા ગામનાં પ્રાથમિક શાળાનાં શિક્ષકે ચોરીનાં આરોપસર ગામનાં 15 વર્ષીય બાળકને માર મારવાના દ્રશ્યો સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ભીસ્યા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાંથી બે ત્રણ દિવસ પૂર્વે કોઈક બાળક એક લાઈટ બલ્બની ચોરી કરી ગયો હતો. જેની જાણ શાળાનાં મુખ્ય શિક્ષક મનોજભાઈ પટેલને થતા તેઓએ તપાસ હાથ ધરી હતી. ભીસ્યા ગામની પ્રાથમિક શાળામાંથી એક બલ્બ ચોરી જવાનો આરોપ ગામમાં રહેતા હેમાંક બાગુલ નામનાં 15 વર્ષીય બાળક પર લાગ્યો હતો. જેથી ભીસ્યા ગામનાં પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક મનોજભાઈ પટેલ દ્વારા આ બાળકનાં વાલીઓને જાણ કરવાની જગ્યાએ સીધો આ બાળકનાં ઘરે પોહચી જઈ આ બાળકને શોધી તેનો હાથ મચકોડી માર મારતા ચકચાર મચી જવા પામી છે. શાળામાં ચોરી બાબતેની જાણ શાળાની એસ.એમ.સી કમિટીને કરવાની જગ્યાએ મુખ્ય શિક્ષક મનોજભાઈ પટેલ જાતે જ ગુંડાગર્દી પર ઉતરી આવી આ બાળકનાં ઘરે જઈ માર મારી બાળકનો હાથ મચકોડતા ગામમાં ભારે હોબાળો મચ્યો હતો.
ડાંગનાં ભીસ્યા ગામનાં આગેવાનનું કહેવું છે કે ભીસ્યા ગામનાં મુખ્ય શિક્ષક નામે મનોજભાઈ પટેલની ઘણી બધી ફરિયાદો આવી છે. આ મુખ્ય શિક્ષક શાળામાં સ્ટાફને પણ હેરાનગતિ કરે છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે શાળામાં નજીવા બલ્બની ચોરીનાં આરોપસર આ મુખ્યશિક્ષકે ગામમાં બે વખત આ બાળકને શોધીને માર માર્યો છે અને ઇજાઓ પોહચાડી છે. જે વ્યાજબી નથી.

