ગુજરાત: આપણા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં ઢોલ વાગી ચુક્યા છે ત્યારે આવતીકાલે દરેક જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તૈયારીનો કલેકટર કચેરીઓમાં ધમધમાટ જોવા મળી રહયો છે. જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનો આરંભ થઈ જશે.

Decision Newsને મળેલી વિગતો અનુસાર રાજ્યના જિલ્લાઓમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા માટે વહીવટી તંત્ર દ્રારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોમવારે જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ જશે. ફોર્મ ભરવા માટે છ દિવસનો સમય અપાયો છે. તા. ૪ ડિસેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ફોર્મ ભરાયા બાદ તા. ૬ નાં રોજ ફોર્મની ચકાસણી કરાશે અને ત્યાર બાદ તા. ૭ સુધીમાં ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ નિયત કરવામાં આવી છે.

હાલમાં તાલુકા-જિલ્લાઓનાં આગેવાનો ગામડાઓમાં બેઠકો કરીને સરપંચ અને વોર્ડમાં કોને ઉભા રાખવા તેનાં રાજકીય ચોગઠા ગોઠવી રહયા છે. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષનાં સિમ્બોલ પર લડાતી નથી પરંતુ સ્થાનિક આગેવાનો વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાના જૂથનાં સરપંચો ચૂંટાય તેની ફિરાકમાં લાગ્યા હોવાનું દેખાય રહ્યું છે.