ગુજરાતની એ દીકરીનો સુસાઈડ કર્યા બાદનો વિડીયો આપણને ઉભા ચીરી નાંખે એવો છે, ઘણા સવાલો કરી જાય છે. યુવતી ઘાયલ હાલતમાં જે રીતે મળી હતી અને આખી ઘટનાને જેવી રીતે અંજામ અપાયો છે એ બહું વિચિત્ર-ભયાનક છે. પોલીસ હજુ સુધી કોઇ નરાધમ ગૂનેગાર સુધી પહોચી શકી નથી. ગૃહમંત્રીજીનું કહેવું છે ટૂંક સમયમાં ગુનેગારોને પકડી કડક સજા કરાશે, જોકે પોલીસ અધિકારીઓ અને આમ લોકો સમગ્ર કેસને ઉકેલવા માટે સતત મહેનત કરી રહ્યાં છે એમને દાદ છે.

રાત-દિ ચાલતા મીડિયાએ શરુઆતમાં તો આ ઘટનાને નજરઅંદાજ જ કરી હતી પણ પછી સમજાયું કે નહી આતો મોટી ઘટના છે. પછી કવરેજ મલ્યુ. જોકે, હવે મીડિયા પાસે ચુંટણીના સમાચારો આવી ગ્યા છે એટલે આ ઘટના વિસરાઈ ગઈ છે. ઓછામાં પુરુ કોઇ વરિષ્ઠ પત્રકાર બુદ્ધિજીવીઓએ પણ આ ઘટના વિશે કઈ જ લખ્યુ નથી. લોકોને પણ બહું ઓછી ખબર છે આ ઘટના વિશે કેમકે ઘટના અમદાવાદની નથી છેવાડાના વિસ્તારની દિકરીની છે.

ટ્રેનના કોચની અંદરથી યુવતીની લાશ મળી આવે છે. યુવતીના પગ ટ્રેનના ફ્લોર પર અડેલા છે. યુવતી બાજુની સીટ પણ પકડી શકે એમ છે. ગળે જે ફંદો છે એમા કોઇ ગાંઠ નથી. યુવતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છેકે યુવતીના હાથ, પગ અને ગરદન પરની ઇજાઓ લગભગ છ દિવસ જૂની હતી, યુવતી પર ગેંગરેપ થયો છે.

પછી પોલીસ તપાસમાં ખુલે છેકે પીડિતાની સાઇકલનાં બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યાં હતાં. એક ટાયર ભંગારની દુકાનમાં વેચી દેવાયું હતું. યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવે છે પછી સંસ્થા પોલીસને ફાટેલા પાનાની ઝેરોક્ષ મોકલે છે. કથિત આરોપ મુજબ, સંસ્થાને અગાઉથી જ યુવતી સાથે દુષ્કર્મ થયાની જાણ હતી અને ટ્રસ્ટીઓને દુષ્કર્મની ઘટનાની જાણ હોવા છતાં વાત છૂપાવી હતી. આમ, સુરક્ષિત ગુજરાતમાંથી એક દીકરીનું ધોળા દિવસે ખુલ્લેઆમ અપહરણ થઈ જાય. તેની સાથે ગેંગરેપ થાય અને ટ્રેનના ડબ્બામાં ગળેફાંસો ખાઈને લટકેલી હાલતમાં મળે. આ પુરાવાઓ આત્મહત્યા નહીં હત્યાની દિશામાં જ ઈશારો કરે છે.

યુવતીના છેલ્લા શબ્દો.. “સોરી, પ્લીઝ મને બચાવો. હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી, અને તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે. તેમનો ઈરાદો ગમે તે રીતે મને મારી નાખવાનો છે. હું હાલ ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી. જેમ-તેમ કરીને મારો ફોન મેળવ્યો છે. મારાં માતા-પિતા તો કશું જાણતાં નથી. મારું અપહરણ થયું છે. હું અત્યારે વોશરૂમમાં છું અને તે લોકો મને મારી નાખશે. પ્લીઝ કોલ કરજો…હું રાહ જોઉં છું.” “મારા ઉપર બે છોકરાઓએ બળાત્કાર કર્યો છે. બંને યુવાનો મારા હાથ બાંધીને અને મોઢા ઉપર ડૂચો મારી રીક્ષામાં લઇ આવ્યા હતા. અને મારા ઉપર બળાત્કાર કર્યો છે

આતો મારુ ગુજરાત નહોતુ યાર..હે ગુજરાત, આજે એક પરિવાર કે યુવતીની નહી પણ તારી આબરુ લુંટાણી છે. તું જે સુરક્ષિત હોવાનો ગર્વ કરે છેને એના પર મોટો કલંક લાગ્યો છે. હવે તારા સુ-રક્ષિત હોવાના ડોળ પર કોઇ મહિલા ભરોસો નહી કરે. કોઇ મહિલા એકલી ફરતા વિચાર કરશે. એકલી ટ્રેનમાં જતા વિચાર કરશે. ગુજરાત તારો વિકાસ આજે ઝાંખો પડ્યો મારી પાસે દુ:ખ વ્યક્ત કરવા સિવાય બીજુ કઈ નથી.

By કલ્પેશ તારા (આ લેખકના સ્વતંત્ર વિચાર છે.)