ચીખલી: તાજેતરમાં જ ચીખલી તાલુકાની રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન પંચાયત વિભાગ દ્વારા કરાતા આંબાપાડા અને પ્રધાનપાડા નવી ગ્રામ પંચાયત અમલમાં આવતા હવે તાલુકાની કુલ 69 ગ્રામ પંચાયતો થશે. વિભાજિત આ બે ગ્રામપંચાયતોની ચૂંટણી પણ હાલે મોકૂફ રહેવાની શક્યતા જણાઈ રહી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાનું રૂમલા ગામ વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટીએ તાલુકાનું સૌથી મોટું ગામ છે અને 2011 વસ્તી ગણતરી મુજબ આ ગામની કુલ વસ્તી 10624 જેટલી છે, ગામમાં મુખ્ય નવ ફળિયા સાથે 14 વોર્ડ છે. ગામના વિભાજનની માંગ ઉઠતાં હાલે પંચાયત વિભાગ દ્વારા રૂમલા ગામના વિભાજનનો હુકમ કરવામાં આવતા હવે નવી આંબાપાડા ગ્રામપંચાયત આમલમાં આવી છે. રૂમલા પંચાયતમાં હવે 7573 જેટલી વસ્તીનો સમાવેશ થશે. જ્યારે આંબાપાડા ગામમાં આંબાપાડા, મંગળપાડા અને ચિકારપાડા એમ ત્રણ ફળીયાના સમાવેશ સાથે 3061ની વસ્તી રહશે.

તાલુકાના સિયાદા ગામમાંથી પ્રધાનપાડા નવું ગામ અમલમાં આવશે. સિયદા ગામની 5245 વસ્તી પૈકી નવી પ્રધાનપાડા ગ્રામ પંચાયતના 2219 વસ્તી નો સમાવશે કરવો છે. ત્યારે સિયાદા ગામમાં હવેથી 3026 વસ્તી રહશે. સિયાદા ગ્રામ પંચાયતનો પ્રધાનપાડા વિસ્તાર ખરેરા નદીથી ભૌગોલિક રીતે વિભાજિત કેમ અને ચોમાસા દરમ્યાન સિયાદા અને પ્રધાનપાડાને જોડતો ખરેરા નદીના ડુબાઉ કોઝવે પર પાણી ફરી વળતા પ્રધાનપાડાના લોકોએ નાના – મોટાં કામ માટે 8 થી10 કિલોમીટર ચકરાવો કાપી સિયાદા આવન-જાવન કરવું પડતું હતું. જેથી લાંબા સમયથી પ્રધાનપાડા સ્વતંત્ર ગ્રામ પંચાયતની માંગ સ્થાનિકોમાં ઊઠી હતી.

આ ગામમાં સરપંચની ચૂંટણી લડવા થનગની રહેલા મુરતિયાઓ ની ગણતરી ખોટી પડશે. રૂમલા અને સિયાદાના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાતા સ્થાનિકોમાં ખુશી ફેલાય જવા પામી હતી. જો કે આ ગામોમાં સરપંચની ચૂંટણી લડવા થનગની રહેલા મુરતિયાઓની ગણતરી ખોટી પાડવા સાથે નવા સમીકરણો રચાશે ત્યારે હાલે તો મુરતિયાઓની મનની મનમાં જ રહી જવા પામી છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણી પાંચ છ માસ બાદ યોજાવાની શકયતા જણાય રહી છે.