રાજપીપલા: નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર દ્વારા આજે નાંદોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટીમાં ઝડપથી વધારો થતાં નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડવાને લીધે પાણીના ઝડપી પ્રવાહમાં ચાર પ્રવાસીઓ તેમજ ૮ થી ૧૦ વ્યક્તિઓને લઇને જતી આ બોટને બચાવની કામગીરી અંગેનું સફળ મોકડ્રીલ, ફાયરબ્રિગેડ, આપદા મિત્રો, પોલીસ વિભાગ, ૧૦૮-એમ્બ્યુલન્સ સેવા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજે બપોરે આશરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે પોઇચા ગામે નર્મદા નદીના કાંઠેથી ચાર પ્રવાસીઓના પાણીમાં ડુબવાની તેમજ ગ્રામજનોને કુબેરભંડારીએ લઇ જતી બોટમાંથી એક વ્યકિતની ડુબવાની ઘટનાં સર્જાયા બાદ તેની જાણ મોબાઇલ ફોન દ્વારા ગ્રામજનો તરફથી રાજપીપલા મુખ્યમથકે કાર્યરત જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમને કરાઇ હતી. જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમને આ ઘટનાની જાણકારી મળતાંની સાથે જ વડોદરાની એન.ડી.આર.એફ તેમજ રાજપીપલા નગરપાલિકાની ફાયરબ્રિગેડ અને આપદામિત્રની ટીમની રાહત બચાવ માટે મદદ માંગવામાં આવતાં, એન.ડી.આર.એફ નાં કમાન્ડન્ટશ્રી રાજેશ કુમાર મહલાવતના નેતૃત્વ હેઠળ રાહત બચાવ હેઠળના તમામ જરૂરી સાઘનો સાથેની ફલ્ડ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સુરક્ષાના તમામ ઉપાયો સાથે આ દુર્ઘટનામાં ડૂબી રહેલી વ્યકિતઓ માટે બચાવ રાહત કાર્ય હાથ ધરાયું હતું, જે પૈકી ત્રણ વ્યક્તિઓને ક્ષેમકુશળ નદીમાંથી બહાર કઢાયાં હતાં અને તેમાં ગંભીરપણે અસરગ્રસ્ત બે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે રાજપીપલા સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
એન.ડી.આર.એફ નાં કમાન્ડન્ટશ્રી રાજેશ કુમાર મહલાવતે આ મોકડ્રીલ સંદર્ભે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, પોઇચા ગામે નર્મદા નદીમાં ચાર વ્યક્તિઓ ગ્રામજનો સાથેની બોટમાંથી એક વ્યક્તિ ડુબી રહ્યો હોવાના અહેવાલ રાજપીપલા ડિઝાસ્ટર વિભાગ તરફથી અમોને મળતાની સાથે જ અમારી એન-ડી.આર-એફની ટીમ તુરંત જ ઘટના સ્થળે આવી પહોંચી બચાવ રાહત કાર્ય હાથ ધરીને તમામને બચાવી લીધા હતા અને તેમાથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તુરંત જ જિલ્લાની હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું શ્રી મહલાવતે ઉમેર્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકોમાં પૂરથી બચવા માટેની વિવિધ પ્રકારની જાણકારી પૂરી પાડવા ઉપરાંત આ પ્રકારની આપત્તિ અને દુર્ઘટનાંને પહોંચી વળવાં માટેનો હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજપીપલાના ડિઝાસ્ટર વિભાગના ડી.પી.ઓ શ્રી સાયબલ સરકારે દુર્ઘટનાં ન સર્જાય તે માટે લેવાતાં સાવચેતીના તમામ પગલાંઓ તેમજ દુર્ઘટનાં બાદ હાથ ધરાતી રાહત-બચાવ કામગીરીમાં આવરી લેવાતી બાબતો અંગે લોકો માહિતગાર થાય તે માટે મોકડ્રીલનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. મોકડ્રીલ સમયે ડી.પી.ઓ શ્રી સાયબલ સરકાર, એન.ડી.આર.એફ. નાં ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી સરોજકુમાર શાહુ, રાજપીપલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ શ્રી મોહનસિંહ રાઠવા, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

