ચીખલી: નવસારી ચીખલીમાં લોકોએ કોરોના મહામારીની સરકાર તરફથી આપવામાં આવેલી છૂટ પ્રમાણે દિવાળીના પર્વની અને ગતરોજ સૌરાષ્ટ્રના દાનવીર એટલે કે વીરપુરના જલારામ બાપાની 222 મી જન્મ જયંતીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે સંવત 1856માં કારતક સુદ સાતમના દિવસે સોરઠ ભૂમિના વીરપુર ગામે ઠક્કર કુળમાં જન્મેલા સંત શ્રી જલારામ બાપાની ગતરોજ 222 મી જન્મ જયંતી સમગ્ર ગુજરાતમાં ઉજવવામાં આવી હતી ત્યારે ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામના માતા ફળિયામાં જલારામ જયંતી નિમિતે જલારામ જયંતી આનંદ-ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી અને સાંજે ૦૬:૦૦ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતું.

જલારામ બાપા વિષે વાત કરતાં ભક્તો જણાવે છે કે બાપા ભૂખ્યાને ભોજન આપતાં અને દીન-દુખિયાની સેવા કરતાં હતાં. બાપાનો મુખ્ય મંત્ર “જન સેવા એ જ પ્રભુ સેવા” હતો. જલારામ બાપામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળતો હતો. 17 વર્ષની નાની ઉંમરે તેમણે ભોજલરામ બાપાને પોતાના ગુરુ બનાવી 1836ના વર્ષમાં જ સદાવ્રત શરૂ કર્યું હતું. આજે પણ વીરપુર ધામમાં ભૂખ્યાને ભોજન વગર અને મનોકામના લઈને જનારા આશીર્વાદ વગર ક્યારેય ખાલી પાછા આવવું પડયું નથી.