ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એસટી બસોને કોરોના કાળમાં સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી જોકે હવે કોરોના હળવો થઈ ચૂક્યો છે અને જનજીવન પાટે ચઢી રહ્યું છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોની અંદાજીત ૫૨ જેટલા રૂટની બસો આજદિન વારંવાર લેખિત કે મૌખિક રજુવાતો કરવા છતાં સુધી ફરી ચાલુ ન થતા ચીખલી-વાંસદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ ધરણા કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી અધ્યક્ષ શૈલેષ પટેલ, ચીખલી તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા ભીખુભાઈ ગરાસિયા, એન.એસ.યુ.આઈ પ્રમુખ અમિષ પટેલ, ચીખલી તાલુકા પંચાયતના માજી પ્રમુખ નરેન્દ્ર ઉર્ફે જયંતિ પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એસટી વિભાગના અધિકારીઓ દ્વારા આગામી ૧૫ દિવસમાં આ ૫૨ જેટલા રૂટોની બસોને ચાલુ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.
આ અંગે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે એસટી વિભાગ દ્વારા આગામી ૧૫ દિવસમાં આ રૂટો ચાલુ કરવાની ખાતરી આપી છે એટલે ધરણા હાલ સમેટી લેવામાં આવ્યા છે પરંતુ જો આગામી ૧૫ દિવસમાં આ બસોના રૂટો ચાલુ ન કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન થશે એ વહીવટીતંત્ર ધ્યાનમાં રાખવું.