ઉત્તર પ્રદેશ: લખીમપુર હિંસા કેસમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ચેતવણી આપી છે કે જો ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનું રાજીનામું અને ગુનેગારોની ધરપકડ 12 મી સુધીમાં કરવામાં નહીં આવે તો ખેડૂતો દેશભરમાં આંદોલન કરશે. ટીકૈતે આ વાત રામપુરમાં કહી હતી, જ્યાં તેઓ ખેડૂતો સાથે બેઠક કરવા આવ્યા હતા.
નોંધનીય છે કે 3 ઓક્ટોબરે યુપીમાં નેપાળ સરહદના લખીમપુર ખેરી જિલ્લાના ટીકુનિયા વિસ્તારમાં ખેડૂતો પર એક કાર ચડાવી દેવામાં આવી હતી, જેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા ખેડૂતોએ ખેડૂતોના મૃતદેહ રસ્તા પર મૂકીને વિરોધ શરૂ કર્યો હતો.
4 ઓક્ટોબરના રોજ સરકાર સાથે થયેલી વાતચીતમાં સરકારે મૃત્યુ પામેલા દરેક ખેડૂતના પરિવારને 45 લાખ રૂપિયા અને ઘાયલોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. અને ઘટનાની ન્યાયિક તપાસનું વચન પણ આપવામાં આવ્યું હતું.
ખેડૂતોના નેતાઓએ માંગ કરી હતી કે આ કેસના મુખ્ય આરોપી ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવે. ત્યારે વહીવટીતંત્રે કહ્યું હતું કે પરિવારના સભ્યોની ફરિયાદ પર કેસ લખવામાં આવ્યો છે અને આગળની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જોકે, હવે જ્યારે સુપ્રીમ કોર્ટ સરકારને પૂછ્યું છે કે આ કેસમાં કેટલાની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે સરકાર પર પણ ધરપકડ કરવા માટે દબાણ છે. હવે જોવાનું એ રહ્યું કે દોષીઓ પર કાર્યવાહી થશે કે નહિ.