આવું પણ થાય આપણે અત્યાર સુધી સાભળ્યું હશે કે, હત્યા કરવા માટે સામાન્ય રીતે ગન, ચાકુ કે બીજા ધારદાર હથિયારોનો ઉપયોગ કરાતો હોય છે પણ એક વિચિત્ર કેસમાં એક મહિલાએ પોતાના સાસુની હત્યા કરવા માટે સાપનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના આ કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીને જામીન આપવાનો ઈનકાર કર્યો છે. મામલો એવો છે કે, રાજસ્થાનમાં મહિલાના લગ્ન આર્મી મેન સાથે થયા હતા પણ લગ્ન પછી પણ મહિલા તેના પ્રેમી સાથે ફોન પર સતત વાત કરતી હતી. જેનો મહિલાની સાસુ વિરોધ કરતી હતી.
મહિલાએ આખરે સાસુની હત્યાનુ કાવતરૂ ઘડી નાંખ્યુ હતુ. આ માટે મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને એક ઝેરીલા સાપની વ્યવસ્થા કરી હતી. 2 જુન, 2018ની રાતે મહિલાએ સાપ જે બેગમાં હતો તેને મહિલાની બાજુમાં મુકી દીધી હતી. સવારે મહિલાની સાસુ મૃત અવસ્થામાં મળી હતી અને તેનુ મોત સાપે ડંખ મારતા થયુ હતુ.
એ પછી પોલીસે તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે, ઘટના જે દિવસે બની હતી તે દિવસે મહિલા અને એક વ્યક્તિ વચ્ચે 100 વખત ફોન પર વાત થઈ હતી. પોલીસે એ બાદ મહિલા અને તેના પ્રેમીની પૂછપરછ કરી હતી અને આખો કેસ સામે આવ્યો હતો.
આ કેસમાં આરોપીઓની જામીન અરજી સુપ્રીમ કોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી. જોકે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરોપીઓને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો.