કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1 થી 31 ઓક્ટોબર દરમિયાન હાથ ધરાયેલા સ્વચ્છ ભારત કાર્યક્રમને અનુલક્ષીને નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગતરોજ આ કાર્યક્રમ ગરુડેશ્વર તાલુકાના ગોરા ખાતેના સુરપાણેશ્વર મંદિર, ગોરા સ્મશાન ગૃહ નદી કિનારાનો વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક એકત્રિકરણની કામગીરી કરીને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા હતા. સાથો સાથ દુકાનદારોને પણ દુકાન આગળ સ્વચ્છતા રાખવા અને પ્લાસ્ટિકનો નાશ કરવા અંગે સમજાવ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સફાઈ કરતા સ્થાનિક લોકોએ સાંસદ મનસુખ વસાવાને SOU વિસ્તારની કેટલીક હોટલોનું ગંદુ પાણી નર્મદામાં છોડી રહ્યા છે તેવી ફરિયાદ કરી હતી.

ફરિયાદ સાંભળ્યા બાદ આ અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા નદીમાં કેવડીયા કોલોની તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આવેલ હોટલોનું ગંદુ અને પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવે છે, તે બાબતે સ્થાનિક રહીશોએ અમારું ધ્યાન દોર્યું હતું. તેથી અમે વહીવટી તંત્રનું આ બાબતે ધ્યાન દોરીશું કે નર્મદા નદીમાં લાખો શ્રદ્ધાળુ ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરે છે અને પવિત્ર જળથી આચમન કરે છે તથા નર્મદા નદીના સ્વચ્છ પાણીથી ભગવાન મહાદેવના શિવલિંગને જળ અભિષેક કરે છે. તેથી મંદિરો તથા સ્મશાન ઘાટ પર આપણે સ્વસ્છતા રાખીએ તથા આપણી માં નર્મદા નદીને સ્વચ્છ રાખીએ અને ગંદુ અને પ્રદૂષિત પાણી નર્મદા નદીમાં ન છોડીયે, તે માટે નર્મદા કિનારે આવેલ તમામ શહેરો તથા મોટા ગામોના લોકોને ખાસ અપીલ કરું છું.