કોરોના રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય તરીકેનો ઇન્ડીયા ટુ ડે હેલ્થગીરી એવોર્ડ ૨૦૨૧ ગુજરાતને પ્રાપ્ત થયો છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને કોરોના મહામારી દરમ્યાન હોસ્પિટલ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા બદલ ધી ઇકોનોમીક ટાઇમ્સ હેલ્થકેર એવોર્ડ-૨૦૨૧ એનાયત થયો હતો.

તેમજ, ભારત સરકારમાં સેવારત તત્કાલીન સચિવ અને ગુજરાત કેડરના વરિષ્ઠ સનદી અધિકારી સ્વ. ગુરૂપ્રસાદ મહાપાત્રાને કોરોના મહામારી દરમ્યાન કોઈ પ્રસિદ્ધિમાં આવ્યા વગર નિઃસ્વાર્થપણે કર્તવ્ય નિભાવવા બદલ ‘Unsung Hero’ તરીકે મરણોપરાંત ગૌરવ સન્માન આપવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કોરોના રસીકરણ સાથે સંકળાયેલા ગુજરાતના સૌ કર્મયોગીઓને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે, તેમજ સ્વ. ગુરૂપ્રસાદ મહાપાત્રાને ભાવાંજલિ પાઠવી તેમની સેવા-નિષ્ઠાને બિરદાવી છે.