ધરમપુર: આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિચારધારાનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય અને ખાસ તો આજની પેઢીનાં વિદ્યાર્થીઓ, યુવાનો ગાંધીવિચાર ધારાનાં રંગે રંગાય એવા શુભ આશયથી ગાંધી આશ્રમ અમદાવાદ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સહયોગથી લોકમંગલમ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીજીના જીવન વિષે પોસ્ટર પ્રદર્શન ધરમપુરની શાળાઓમાં કરવામાં આવી રહ્યું છે.

Decision Newsને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ધરમપુર વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આજની પેઢીનાં વિદ્યાર્થીઓ, યુવાનો ગાંધીવિચાર ધારાનાં રંગે રંગાય એવા શુભ આશયથી ગાંધી આશ્રમ અમદાવાદ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સહયોગથી લોકમંગલમ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીજીના જીવન વિષે કરાય રહેલા પોસ્ટર પ્રદર્શનથી વિશાળ ગાંધી વિચારયાત્રા ફરી રહી છે. ગાંધી વિચારધારાનો પ્રવાહ નવી પેઢીમાં વહેતો કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયેલા હાલમાં જોવા મળે છે.

લોકમંગલમ ટ્રસ્ટના સ્થાપક નિલમ પટેલ જણાવે છે કે હાલમાં ધરમપુરમાં કુલ ૮૭ જેટલી સ્કુલોમાં ગાંધીના જીવન કવનના નવી પેઢીના બાળકો સમક્ષ પોસ્ટર પ્રદર્શન કરી સમજ આપવામાં આવી રહી છે આ કાર્યથી ગાંધીના સત્ય અને અહિંસાના પાઠ બાળકો શીખશે અને ગાંધી મુલ્યોને જાણી સમજી અને પોતાના જીવનમાં ઉતારશે. જો બાળકોમાં સત્ય, અહિંસા, પ્રેમ જાતમહેનત, દયા અને કરુણાના સંસ્કારોનું સિંચન થશે તો આવનારા સમયમાં આ પેઢી એક નવા સમાજનું નવનિર્માણ કરશે એમ હું માનું છુ. આ નવનિર્મિત સમાજમાં નફરત, ઈર્ષા, દ્વેષ, ધિક્કાર કે હિંસા જેવા અવગુણોને ક્યાંય સ્થાન હશે નહિ જે ખરા અર્થમાં ગાંધી બાપુના સપનાનું સ્વરાજ હશે.