આજ રોજ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સહકારી સમિતિઓના પ્રથમ સંમેલનનું આયોજન કેન્દ્રીય સહકારિતા તેમજ ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ સંમેલનને સંબોધિત કરતા કેન્દ્રિય સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે, દેશના વિકાસમાં સહકારી સમિતિઓ મહત્વનુ યોગદાન આપી શકે છે. તેમણે કહ્યુ હતુ કે, સહકારી ક્ષેત્રને સુદ્રઢ, આધુનિક તથા વધુ પારદર્શી બનાવવા માટે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના ઉદેશ્ય સાથે જ દેશમાં સહકારિતા મંત્રાલય બનાવવામાં આવ્યુ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સહકારી આંદોલન આજે વધુ પ્રાસંગિક છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં દરેક વંચિત લોકો સુધી વિકાસ પહોંચાડવાની જવાબદારી સહકારી મંડળીઓની છે. સહકારી મંત્રાલય કો-ઓપરેટિવ સંસ્થાને મજબૂત કરશે, તેમને આગળ વધારશે, તેમને આધુનિક બનાવશે અને પારદર્શક પણ બનાવશે. સહકારી ક્ષેત્રના વિકાસ માટે સરકારના દ્રષ્ટિકોણ અને રૂપરેખાને વર્ણવતા તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ટૂંક સમયમાં જ, સરકાર દ્વારા નવી સહકારી નીતિ લાવવામાં આવશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહએ ટ્વીટ કરી કહ્યું- દેશમાં સહકારિતાના વિચારને વધુ મજબુત બનાવવા માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ #SahkarSeSamriddhi ના મંત્ર સાથે સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી છે.